પ્રતાપ ખુમાણ: મહાન શખ્સીયત…નખશિખ પ્રમાણીક… ખાખીનાં નામ ઉપર ચાર ચાંદ લગાવી દેનાર, ભાવનગર રાજ કુટુંબ સાથે પારિવારિક સંબંધ ધરાવનાર, પોલીસ નામનાં નભમાં ચમકતો સિતારો ખરી પડ્યો. આવતી તારીખ ૨૪ જૂન શનિવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦કલાકે, અમરેલી જિલ્લાના ધારી મુકામે સ્વર્ગસ્થ આર.ડી ઝાલા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પુષ્પાંજલિ સભાનું આયોજન બીએપીએસ સ્વામિ.મંદિર ધારી કરવામાં આવેલ છે, પ્રાતઃસ્મરણિય,સાધુ ચરિત આઈ.પી.એસ. શ્રી રઘુરાજસિંહજી દિલીપસિંહજી ઝાલા જેમને જાહેર જનતા અને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ આર.ડી.ઝાલા તરીકે ઓળખતા હતા.
તેમનું દુઃખદ અવસાન ગઈ તારીખ ૨૦ જૂન મંગળવાર ના રોજ રાજકોટ મુકામે થયું હતું તેઓ ૮૬ વર્ષના હતા અને નિવૃત્ત થયા પછી પણ આ વિસ્તારના લોકોમાં એટલી બધી લાગણી અને સંબંધો એવા કે અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના ગઢીયા મુકામે જંગલની અંદર પોતાનો આજીવન નિવાસ કરી જાતે જાત મહેનત કરી ખેતી કરતા હતા.પોતાના રહેણાંકના બંગલામાં લગભગ ૨૫ વર્ષ સુધીતો ઈલેક્ટ્રીક કનેક્શન જ લીધું નહોતું માત્ર ને માત્ર કુદરતના ખોળે પોતાનું જીવન શાંતિથી પસાર કરતા હતા. પરંતુ બાદમાં સ્નેહી મિત્રો નાં હઠાગ્રહથી વીજ કનેક્શન લીધું. આજીવન નખશિખ પ્રમાણીક જીવન જીવ્યા અને એક ન ભૂતો ન ભવિષ્યતિ ઉદાહરણ પૂરું પાડીને સ્વર્ગે સીધાવ્યા.
આર.ડી ઝાલા સાહેબનું પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રથમ પોસ્ટિંગ ખાંભા જીલ્લો અમરેલી હતું. પોતાના ખાંભા પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે જેટલો સમય પસાર કર્યો તે દરમિયાન તેમણે આ સમગ્ર વિસ્તારના ખેડૂતોને પોતાના તરફથી બાંહેધરી આપી હતી કે હું જ્યાં સુધી ખાંભામાં નોકરી કરું છું ત્યાં સુધી તમારા ખેતરમાં પડેલા માલ સામાન ની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે માટે કોઈએ ચોરીની બીક રાખીને પોતાની વસ્તુઓ ઘરે લઈ જવી નહીં. દરમિયાન આ સમય દરમિયાન પોતે એક ઊંટ રાખતા હતા અને ઊંટના ચારે પગમાં અને ડોકમાં ઘૂઘરા બાંધેલા હતા. દરરોજ રાતે નિયમિત રીતે વહેલી સવાર સુધી પોતે પોતાના આ સાંઢીયા ને લઈને સમગ્ર ખાંભા વિસ્તારની સીમમાં પેટ્રોલિંગ કરતા રહેતા અને સમગ્ર વિસ્તારની જનતા શાંતિની ઊંઘ માણી શકતી. આવા અધિકારીની જ્યારે બદલી કરવામાં આવી ત્યારે સમગ્ર ખાંભા વિસ્તાર ઝડબેસલાક બંધ રહ્યો હતો અને બદલી નો વિરોધ કર્યો હતો.
ઘર ફોડ ચોરી માટે તો એમની પાસે અદભુત સૂઝ બુજ હતી સ્થળ ઉપરનું નિરીક્ષણ કરીને પોતે જાહેર કરતા કે આ ચોરી કઈ ગેંગે કરેલી છે અને અત્યારે આ ગેંગ કઈ જગ્યાએ છે તે તપાસ કરી ને પકડી લાવતા અને ખરેખર આ ગેંગ જ ચોરીમાં સંડોવાયેલ નીકળતી. એક સમયે જામનગરમાં આર ડી ઝાલા સાહેબ હોમ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તે સમયના જામનગરના એક કુખ્યાત માથાભારે શખ્સે ટ્રાફિક કોન્સ્ટેબલને જાહેરમાં થપ્પડો મારી દીધી હતી. આ વાતની જાણ ઝાલા સાહેબને થતા તરત જ તેમણે સમગ્ર જામનગર શહેરની તમામ પોલીસ સ્ટેશનની પોલીસને પોલીસ ગ્રાઉન્ડમાં હાજર થવા આદેશ કર્યો અને તમામ સ્ટાફને જાહેરમાં માઈક દ્વારા સૂચના આપી કે જે બનાવ બન્યો છે એ વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર પોલીસ ના નામ ઉપર આ થપ્પડ છે માટે તમે બધા બીજા કામ બાજુએ રાખી અત્યારે ને અત્યારે આ માથાભારે શખ્સને ગમે ત્યાંથી શોધી અને મારી સમક્ષ રજૂ કરો આ આદેશ છૂટતા સમગ્ર પોલીસ એ ગુંડાની શોધ ખોળમાં લાગી ગઈ અને ગણતરીની કલાકોમાં પકડી લીધો અને સાહેબ પાસે હાજર કર્યો.
ત્યાંરે આર.ડી. ઝાલા સાહેબ તથા આખા જામનગર શહેરના અધિકારીઓ અને પોલીસ જવાનો સાથે જામનગરની વચ્ચે એક ચોક આવેલો છે ત્યાં ચોકની વચ્ચે એક ખાડો ખોદવામાં આવ્યો અને આ ખાડામાં આ ગુંડાને કમર સુધી માટી નાખી દાટી દેવામાં આવ્યો. ત્યારબાદ તેની ઉપર જાજમ ઢાંકી દેવામાં આવી અને આર ડી ઝાલા સાહેબે તમામ પોલીસને આદેશ કર્યો કે તમે બધા વારાફરતી જ્યાં સુધી થાકો નહીં ત્યાં સુધી આ નરાધમને લાઠી થી ફટકારો. આ બનાવ પછી જ્યાં સુધી આર.ડી. ઝાલા સાહેબ જામનગરમાં ફરજ બજાવતા હતા ત્યાં સુધી એક પણ ગુંડો નજરે પડતો ન હતો.
આવા તો અસંખ્ય દાખલાઓ તેમની બહાદુરીના તેમની પ્રમાણિકતાના તેમની સજ્જનતાના તેમની વીરતાના છે કે આખું પુસ્તક બહાર પાડવું પડે. એક વખત એક સર્કિટ હાઉસ ની અંદર પોતે રહેતા હતા ત્યારે શહેરનો કોઈ મોટો બિઝનેસમેન પોતાના કોઈક ગેરકાયદે કામ માટે સાહેબ પાસે આખી સુટકેસ ભરીને પૈસા આપવા આવ્યો અને આર ડી ઝાલા સાહેબ સમક્ષ પૈસાની ઓફર કરી અને ટેબલ ઉપર પૈસા ભરેલી બેગ ખુલ્લી કરી અને મૂકી આ જોઈ સાહેબનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને પૈસા ભરેલી સુટકેસને એક એવું પાટુ માર્યું કે હવામાં ચારે બાજુ ઉડવા લાગી. સમગ્ર સર્વિસ દરમિયાન કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રમાણિકતાથી કોઈપણ જ્ઞાતિ જાતિ કે ધર્મ કે સગા સંબંધીઓ વગેરેની દરકાર રાખ્યા વગર કાયદાની એક જ લાકડીએ તમામ ગુનેગારોને સરખી જ નસ્યત બતાવી દીધી છે. છેલ્લે અતિ સંવેદનશીલ વિસ્તાર ગોધરા માં એસપી તરીકે સેવા બજાવી હતી પરંતુ જે ગોધરા અશાંતિ માટે પંકાયેલ હતું તે ગોધરા એકદમ શાંત રહ્યું હતું જ્યારે આર ડી ઝાલા સાહેબ નિવૃત્ત થયા ત્યારે તે દિવસે ગોધરા ની અંદર હજારો લોકોની મેદની વચ્ચે પોલીસ અધિકારીઓ તથા તમામ સ્ટાફ દ્વારા સાહેબને જીપમાં બેસાડી ને દોરડાથી ખેંચીને સમગ્ર શહેરમાં ફેરવ્યા હતા આવી વિદાય તે પહેલા કોઈપણ અધિકારીને મળી ન હતી.
ઘણા તો એવા દાખલા સાંભળ્યા છે કે જે તે અધિકારી નિવૃત્ત થયો હોય તેને પોતાનો સામાન ભરવા માટે પણ કોઈ ફરકતું નથી.આવા મહાન આત્માઓ તો હજારો નહીં પરંતુ લાખોમાં એકાદ જોવા મળે સારાએ ગુજરાતનો પોલીસ ડિપાર્ટમેન્ટ આર.ડી ઝાલા સાહેબને એક ઈશ્વરનું સ્વરૂપ માનતો હતો એમાંય ખાસ કરીને અમરેલી જિલ્લામાં કોઈ પણ આઇ.પી.એસ. ઓફિસર જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળે કે તરત જ સૌથી પહેલું કામ ગઢીયા મુકામે જંગલની અંદર પોતાનું નિવાસસ્થાન બનાવીને રહેતા આર.ડી.ઝાલા સાહેબને મળવા જાય આ સીલસીલો આજ સુધી અવિરત ચાલુ જ હતો.
આ પણ જુઓ
Missing Submersible: ટાઈટેનિક જોવા ગયેલા તમામ યાત્રિઓના મોત, સબમરિનનો મલબો મળ્યા બાદ થયો બ્લાસ્ટ
આ કુદરતના કોઈ કરિશ્માથી ઓછું નથી, એક શરીર, બે જીવન, બે ચહેરા અને 4 હાથ, તમે પણ જોઈ શકો છો આ કરિશ્મા
શેરદિલ ગ્રામજનો: એક વાઘ અને ત્રણ દીપડાના આતંક વચ્ચે પણ રવાણી પર લોકોની જીંદગી
છેલ્લે સુધી ક્યારેય પણ કોઈ એવો અટ પટ્ટો બનાવ બન્યો હોય તો પોલીસ ઝાલા સાહેબની મદદ અને સલાહ અચૂક લેતી એકવાર ગઢીયા ગામની સીમમા આવેલ ખોડીયાર માતાના મંદિરમાં ચોરી થઈ અને ચોર મંદિરમાંથી માતાજીના દાગીના દાન પેટીમાં રહેલી રોકડ રકમ અને બીજી ચીજ વસ્તુઓ ચોરી ગયેલા એ સમયે ઝાલા સાહેબ એક ઓપરેશન બાબતે અમદાવાદ હોસ્પિટલ એડમીટ હતા ત્યારે ત્યાં ખબર મળ્યા એટલે તેમણે તરત જ ફોન મારફત તપાસનીશ અધિકારી સાથે વાત કરીને બનાવના સ્થળનું વર્ણન કરવા કહ્યું વર્ણન સાંભળીને તરત જ તેમણે સુચના આપી કે આ ચોરીનું કામ ફલાણી ગેંગ નું છે અને તેને ગમે ત્યાંથી પકડો એટલે તેની પાસેથી મુદ્દા માલ કબજે થશે અને ખરેખર બન્યું પણ એમ જ. આજે આર.ડી.ઝાલાનાં નામ આગળ સ્વર્ગવાસ લખતા પણ ધ્રુજી જવાય છે.