ગુજરાતમાં એક પછી એક પેપર કૌંભાડ સામે આવી રહ્યા છે અને પેપર ફૂટવાનો સિલસિલો યથાવત જ છે. ત્યારે હાલની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા વનરક્ષક માટે ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પેપર લીક થયાનો દાવો કરવામાં આવ્યો હતો અને હવે ભારે હોબાળો થયો છે.
જો કે હવે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પેપરના સીલ કલેક્ટર, જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ખોલવામાં આવે છે. ત્રણ દિવસ બાદ પેપર ફૂટ્યાનો દાવો કરવાનો મતલબ શું છે? પેપર ફૂટે અને ગેરરિતી થાય એ બંનેમાં તફાવત છે એવું પણ વાઘાણીએ કહ્યું છે. વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે પણ પેપર ફૂટ્યું નથી. કેટલાક લોકો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરીક્ષાના તમામ CCTV ફૂટે જિલ્લા પોલીસ વડા અને તકેદારી આયોગ પાસે છે જેમા આ તમામ વાત સામે આવી જ છે.
પરીક્ષાના ત્રીજા દિવસે લોકો સામે આવતાં જીતુ વાઘાણીએ પ્રશ્ન કર્યો હતો કે, પરીક્ષાના પ્રથમ દિવસે શું તેમને સાપ ગળી ગયો હતો કે તેઓ સામે ન આવ્યા, સરકાર પારદર્શી વ્યવસ્થા માટે કટિબદ્ધ છે. ગેરરિતી કરતા લોકોની ધરપકડ કરાઇ હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.