રાજનીતિનો રંગ ક્યારેય કોઈ સમજી શક્યું નથી. એવી જ કંઈક હાલત છે હાલમાં હાર્દિક પટેલની….હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે દરેક પાર્ટી પોતાની રીતે મહેનત કરી રહી છે અને પ્રચાર કરી રહી છે. આ વખતે 182ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતમાં ધક્કા ખાઈ રહ્યા છે. ભાજપે એ જ આયોજના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો 12 ઓક્ટોબરથી એટલે કે આવતીકાલથી પ્રારંભ થશે. ત્યારે એક નવી વસ્તુ જોવા મળી રહી છે જેની હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.
વાત કંઈક એવી છે કે ભાજપની ઉત્તર ગુજરાતની આ ગૌરવ યાત્રામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે હાર્દિક પટેલ સહિત અનેક મોટા નેતાઓ જોડાવાના હતા. પરંતુ આ ગૌરવ યાત્રાના એક દિવસ પહેલા મોટો ફેરફાર કરવામાં આવ્યો અને જેમાં હાર્દિક પટેલ પર સવાલો ઉભા થયા છે. ભાજપની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવતા જ કોંગ્રેસ જેવી સ્થિતિ થઈ હોવાનું માનવામાં આવે છે. જ્યારે નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભાજપની આ ગૌરવ યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી યોજાશે. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે. આ ગૌરવ યાત્રા વિશે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપ યાત્રા સ્વરૂપે લોકોના આશીર્વાદ મેળવવા જાય છે. ત્યારે વિધાનસભા દીઠ જનતાના આશીર્વાદ માટે ભાજપ યાત્રા થકી ગુજરાત ખુંદશે. 21 વર્ષથી ગુજરતામાં નવા આયામો સિદ્ધ થતા આવ્યા છે અને સરકારે અવનવા પ્રોજેક્ટની રાજ્યની જનતાને ભેટ આપી હોવાનું પણ ઉમેર્યું હતું. ત્યારે હવે ચૂંટણી ટાંણે જોવાનું રહ્યું કે હાર્દિક પટેલને ટિકિટ મળે છે કે કેમ અને ન મળે તો શું જવાબદારી આપવામાં આવે એ પણ મહત્વનો મુદ્દો રહેશે.