Junagadh News: ગીરનારી પરિક્રમાની શુભ શરૂઆત આજથી 155 વર્ષ પહેલાં ડોબરીયા કુળમાં અવતરણ થયેલ એવા અજા ભગત બાપાએ સંવત ૧૯૧૯ માં કારતક સુદ ૧૧ને દિવસે સૌપ્રથમવાર લોક કલ્યાણ અર્થે કરાવેલી. અજા ભગતના પિતા અને ગુરૂ શ્રી દેવજીબાપા ડોબરીયા (બગડુ – જુનાગઢ) અને એમના પિતા અને ગુરૂ શ્રી કલા બાપા ડોબરીયા (ઉપલેટા) તેમજ એમના ગુરૂ શ્રી દાસારામ બાપા (બાલાગામ – કેશોદ) શ્રી રામદેવપીરના આરાધક હતાં.
અજા ભગત દરરોજ સવારે બગડુથી ભવનાથ તળેટીમાં આવેલાં ભવનાથ મહાદેવના પૂજન અર્ચન માટે પગપાળા ચાલીને જતાં અને સાથે સાથે એ મંદિરની બાજુમાં ગુરૂફરાળી બાવા આસન જમાવીને બેસતાં હતાં એમની સેવાઓ પણ કરતાં હતાં. ગુરૂફરાળી બાવા આજ બપોરથી લઈને બીજા દિવસના બપોરે ફક્ત છાસનું સેવન કરતાં માટે રોજ સવારે અજા ભગત બગડુથી આવતી વખતે એમના માટે છાસ લેતાં આવતા. ઘણા વર્ષોથી એમની નેકી-ટેકી અને સેવા જોઈને ગુરૂફરાળી બાવા એમના પર પ્રસન્નતા થઈને અભણ એવા અજા ભગતના માથા પર હાથ મૂકીને વેદનું જ્ઞાન આપ્યું અને ગીરનારી મહાત્મય સમજાવ્યું અને સાથે સાથે દેવ ભાષા સંસ્કૃતમાં લખાવતાં ગયાં. (જે પુસ્તક આજે પણ રામદેવપીરના મંદિરે – બગડુ છે)
આ બધું જ્ઞાન અજા ભગતને આપીને ગુરૂફરાળી બાવાએ ગીરનાર પરિસરમાં આવેલી એવી તમામ જગ્યાઓ જે સામાન્ય જનતા માટે ગોચર-અગોચર (દુર્લભ) હતી અને ફક્ત દેવ લોકો જાણતાં હતાં એ અજા ભગતને બતાવવા-સમજાવવા માટે એમની સાથે ચાર સિધ્ધ સંતો અને ગીરનારી બાવા એટલે કે સ્વયં ગુરૂ દત્તાત્રેય ભગવાન એમની સાથે હતાં.
સંવત ૧૯૧૬ માં કારતક સુદ ૧૧ને શુભ શરૂઆત કરી
આ ગીરનાર પર્વત પર અગમ અગોચર રૂપે રહેતાં આદી દેવી, દેવતાઓ, અવધૂત જોગી, સિધ્ધ સંતોના બેસણાં હતાં. દર સુદ બીજ પર થતો અગોચર સનાતની ગુપ્ત બીજ પાટોત્સવ કે જે ફક્ત દેવતા ગણ કરે છે એ સ્થાન અને તેમના દર્શન, દરેક વૃક્ષોની માહિતી, જડીબુટ્ટીઓ, સોનું વહાવતી સોનરેખ નદીને બતાવતાં બતાવતાં એ સંવત ૧૯૧૯ માં કારતક સુદ પૂનમના દિવસે પરિક્રમા પરિપૂર્ણ કરી હતી.
આમ આ ગીરનારી પરિક્રમા જે ફક્ત દેવ લોકો જ કરતા એ આમ જનતા પણ કરીને પોતાનું પુણ્ય ભાથું બાંધી શકે એ આશય થી શ્રી અજાભગત બાપાના અથાગ પ્રયત્નો થકી સંવત ૧૯૧૯ માં કારતક સુદ ૧૧ને દિવસે શરૂઆત અને કારતક સુદ પૂનમના દિવસે પૂર્ણ કરવાની પરંપરા ચાલુ થઈ.