નર્મદા જિલ્લાના ઝરવાણી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની વર્ષોથી સ્થાનિકોમાં રાવ ઉઠી રહી છે. જેના બોલતા પુરાવારુપ એક કિસ્સો સામે આવ્યો છે. ઝરવાણી ગામની ગર્ભવતી મહિલાને ને પ્રસુતિની પીડા ઊપડતાં તેને ઝોળીમાં ઉપાડી દવાખાને લઇ જવાની નોબત આવી હતી. ૨ કિલોમીટરનું અંતર પગપાળા કાપી મહિલાને દવાખાને પહોંચાડવામાં આવી હતી. નર્મદા જિલ્લાના કેવડિયામાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓને આકર્ષવા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરાયો છે.
જેની સામે આજુ બાજુના ગામોના લોકો પાયાની સુવિધા પણ જંખી રહ્યા છે. નર્મદા જિલ્લાનું ઝરવાણી ગામ ૨૫૦૦ જેટલી વસ્તી ધરાવે છે અને પહાડોની સુંદરતાને લઈને ગામ પ્રવાસીઑમાં ફેવરિટ છે. પરતું દર વર્ષ વરસાદી વાતાવરણમાં ઝરવાણી ગામ પાસે ખાડીમાં પાણી આવી જતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં ઝરવાણી ગામની ખાડીમાં પાણી આવી ગયું હતું.
આવી સ્થિતિમાં ગામની એક મહિલાને પ્રસૂતિ આવી હતી જેથી તેને દવાખાને લઈ જવાની નોબત આવી હતી આ દરમિયાન ગામ પાસેની ખાડીમાં પાણી આવતા ૧૦૮ ગામ સુધી જઇ શકે તેવી વ્યવસ્થા ન હતી. તેંને લઈને મહિલાને ઝોળીમાં દવાખાને લઇ જવાઈ હતી. મહિલાને તેના ભાઈ અમરસિંહ વસાવાએ ૨ કિમી પાણીમાં માર્ગ ઓળંગી મહામહેનતે મુખ્ય માર્ગ સુધી પહોંચાડી હતી.
ત્યારબાદ વાહનની સુવિધા મળતા ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવાઈ હતી.ઉલ્લેખનીય છે કે ઝરવાણી ગામના લોકોની દર વર્ષે આવી માંઠી દશા થતી હોવાથી ખાળી પર પુલ બાંધી આપવા ગ્રામજનો દ્વારા વર્ષોથી માગ કરવામાં આવી રહી છે. પરંતુ નાનું પુલ બનાવવાની માંગ આજ સુધી સંતોષાઈ નથી. જેથી લોકોએ વીડિયો વાઈરલ કરી આક્રોશ નોંધાવ્યો છે.