ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૦૮ ની વિદ્યાસહાયક ભરતીમાં મંજૂર મહેકમ કરતાં આશરે ૬૪ જેટલા શિક્ષકોની વધુ ભરતી તત્કાલીન જી.પ્રા.શિક્ષણાધિકારી અને જવાબદાર ક્લાર્ક દ્વારા કરી દેવામાં આવી હતી.જોકે આ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાને બદલે ૧૪-૧૪ વર્ષથી ફિક્સ પગારમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકો સામે કાર્યવાહી કરવામાં આવતાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
નિયમ અનુસાર મહેકમ કરતાં વધુ ભરતી કરવામાં આવી તે ખોટી હોય તો તમામ વધારાના શિક્ષકોને છૂટા કરવા જોઈએ.જોકે આશ્ચર્યજનક રીતે પ્રાથમિક વિભાગે માત્ર ૩૭ ને છુટા કરી દઈને અન્ય ૨૩ ને વર્ષ ૨૦૧૯ સુધીમાં નિવૃત્ત થયેલા શિક્ષકોની જગ્યાએ સમાવી લીધા હતા.ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે જો નિવૃત્તિ ની સામે સમાવી લેવાના હોય તો આ છૂટા કરાયેલા ૩૭ ને પણ કેમ સમાવી લેવામાં ના આવ્યા ? ક્યાં કારણોસર માત્ર ૨૩ ને જ લાભ આપવામાં આવ્યો ? કાયદો તમામ માટે સરખો હોય ત્યારે સમાન બાબતમાં અલગ અલગ નિર્ણય તંત્ર દ્વારા કેમ લેવામાં આવ્યા ? તેવા વેધક સવાલો ઉઠી રહ્યા છે.
આમ વધારાના ભરતી કરાયેલા તમામ ૬૪ સામે કાર્યવાહી થવી જોઈએ અથવા તો તામમને સમાન તક મળવી જોઈએ તેવી માંગણી છૂટા કરાયેલા વિદ્યાસહાયકો અને તેમના પરિવારજનો કરી રહ્યા છે.ત્યારે આ મામલે સરકાર તેમજ નામદાર કોર્ટ દ્વારા તમામ બાબતો ઉપર ફેરવિચારણા કરીને ન્યાય આપે તેવી માંગ ઉઠી રહી છે.
વિદ્યાસહાયક બોગસ ભરતીમાં છૂટા કરાયેલા ૩૭ શિક્ષકો એક જ જ્ઞાતિના નીકળ્યા
ખેડા જિલ્લામાં બોગસ વિદ્યાસહાયક ભરતી મામલામાં છૂટા કરાયેલા ૩૭ વિદ્યાસહાયક શિક્ષકો એક જ જ્ઞાતિના હોવાથી અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.છૂટા કરાયેલા તમામ શિક્ષકો અને શિક્ષિકાઓ એક જ જ્ઞાતિના હોવાથી અગાઉ થયેલી ભરતીઓના કૌભાંડ સાચા હોવાની વાતને વેગ મળી રહ્યો છે.જોકે જોગાનુજોગ હોય કે અન્ય કોઈ કારણ પણ એક જ જ્ઞાતિના શિક્ષકો બોગસ ભરતીમાં પણ સંડોવાયેલા જોવા મળતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.