ગુજરાતભરમાં સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અનેક શિક્ષકો પાર્ટ ટાઈમ બિઝનેસ કે ટ્યુશન કરવામાં મસ્ત હોવાનુ જોવા મળી રહ્યું છે.જેને પગલે શાળા સમય દરમ્યાન પણ શિક્ષકો પોતાના ધંધામાં વ્યસ્ત રહેતા હોવાની ચોંકાવનારી જાણકારી બહાર આવી રહી છે.ખેડા જિલ્લામાં પણ આ સડો ધીરે ધીરે વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
ખેડા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો વધારાની આવક રળવા માટે વિવિધ પ્રકારના ધંધા કરી રહ્યા છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકાના અધિકારીઓની મીઠી નજરને કારણે શાળા સમય દરમ્યાન પણ ફોન ઉપર ધંધો કરી રહેલા શિક્ષકોને કોઈ રોકી શકતું નથી.સરકારના નિયમ મુજબ સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ અલગ ખાનગી ધંધો કે ટ્યુશન કરી શકતા નથી.
તેમછતાં અધિકારીઓની રહેમનજર હેઠળ સરકારી શિક્ષકોનો ધંધો બેરોકટોક ધમધમી રહ્યો છે.ત્યારે આ મામલે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઓચિંતી તપાસની સાથે શાળા સમય દરમ્યાન મોબાઈલ ઉપયોગ કરતા શિક્ષકોની તપાસ હાથ ધરે તો અનેક શિક્ષકો ખાનગી ધંધામાં વ્યસ્ત જોવા મળી શકે છે.
સરકારી શિક્ષકોની આ આદતને કારણે પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ સાવ કથળી જવા પામ્યું હોવાનુ જોવા મળી રહ્યું છે.જિલ્લામાં અનેક શિક્ષકો સ્ટેશનરી, ટ્રેડિંગ, બેકરી, પ્રોવિઝન સ્ટોર, સોનાનો વેપાર સહિત વિવિધ ધંધાઓમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે.ત્યારે આ બદી ને ડામવા તંત્રએ કડકાઈ દાખવવી જરૂરી હોવાનુ અનેક વાલીઓ માની રહ્યા છે.