હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. આગાહી મુજબ આવનારા બેથી ત્રણ દિવસ સુધી હજુ પણ ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળશે. આ સાથે 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.
આ સાથે વાત કરીએ આ વર્ષે રાજ્યમાં નોંધાયેલા વરસાદ અંગે તો અત્યાર સુધીમાં સિઝનનો 102 ટકા વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ કચ્છમાં સિઝનનો 157 ટકા, ઉત્તર ગુજરાતમાં 110 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 83.92 ટકા, સૌરાષ્ટ્રમાં 90.39 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમા મેધરાજાની એંટ્રી અંગે વાત કરીએ તો વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના તીથલ રોડ, ગૌરવ પથ, હાલાર રોડ, ઉમરગામથી ભીલાડ સુધીના પંથકો અને વાપીમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના અનેક સ્થળોએ પાણી ભરાય ગયેલા દ્રશ્યો સામે આવ્યા હતા. વાપીના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા રસ્તાઓ રેલવે ગરનાળામાં પાણી ભરાય ગયા હતા.
આ સિવાય નવસારીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અહી વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો હોવાથી વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે.
આ સિવાય ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો અને આજે વહેલી સવારે વરસાદ ખાબક્યો છે. આણંદનાં પેટલાદ અને બોરસદમાં પણ પવન સાથે વરસાદનુ આગમન થયુ હોવાના સમાચાર છે. પેટલાદના નીચાણવાળા વિસ્તારોમાં તો માર્ગો પર પાણી ભરાયા હતા.