18 તારીખ અને રવિવારની સાંજ આખા ગુજરાત માટે એક જ ઈતિહાસ રચનારી સાંજ હતી. કારણ કે રાજકોટમાં નિરાલી રિસોર્ટ પર પાર્ટી લોનમાં જે જોવા મળ્યું એ અદ્ભૂત, અક્લપનીય અને અરમણીય હતું. ઈન્સ્ટિટ્યુટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઈન (આઈ.એફ.જે.ડી.) દ્વારા આયોજિત લેક મે ફેશન શોમાં રાજકોટના વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની 8 દીકરીઓએ મનની આંખે જે ફેશન પાથરી એ આંખે જોઈ શકતા લોકો માટે પણ કલ્પના અને ગજા બહારની વાત હતી. આમ તો આ શોમાં 45 જેટલી મોડલ અને યુવતીએ રેમ્પ પર વોક કર્યું હતું, પરંતુ વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની 8 દીકરીઓએ કરેલા પરફોર્મન્સે મુંબઈની મોડેલને પણ ફિક્કી પાડી દીધી હતી. આ શોમાં કુલ 2500-3000 લોકોએ હાજરી આપી હતી. રાજકોટના જ લોકો સાથે મુંબઈની એક લેકમે ફેશનની મોડેલ પણ વોક માટે ઉપસ્થિત હતી.
સીટી વાગી, તાળીઓ પડી, લોકો રડી પડ્યાં
આ અનોખી જ પહેલનો શ્રેય રાજકોટના ઈન્સ્ટિટ્યુટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઈન (આઈ.એફ.જે.ડી.)ના ફેશન ડિઝાઈનર બોસ્કી નથવાણીને મળે છે, કારણ કે બોસ્કી નથવાણીએ આ દીકરીઓને પ્લેટફોર્મ પુરુ પાડ્યું હતું. બધી જ મહેનત એમની અમે એમની ટીમની હતી. સંસ્થાની દીકરીઓ વિશે વાત કરીએ તો લેક મેની મોડલ સામે ચાલવું એ તો માત્ર કલ્પના જ કરવી હતી. 2500-3000 લોકોની સામે આ આખી ઈવેન્ટ કરવામાં આવી હતી. જો કે બોસ્કી નથવાણીએ આ દીકરીઓ પર ભરોષો મુક્યો અને ચાન્સ આપ્યો એના પર દીકરીઓ પણ ખરી ઉતરી અને ચાર ચાંદ લગાવી દીધા હતા. શો વિશે વાત કરીએ તો 8 દીકરીઓનો વારો 5મા રાઉન્ડમાં રાખ્યો કે જેથી કરીને ઈવેન્ટ બરાબર જામી હોય અને ત્યારે બધાનું અટેન્શન આ દીકરીઓને મળે. દીકરીઓને ફોકસમાં રાખીને જ આખો પ્લાન કરવામાં આવ્યો હતો. એનાથી પણ વિશેષ વાત કે જ્યારે આ દીકરીઓનો વારો હતો ત્યારે 30 સેકન્ડ માટે આખું વાતાવરણ અંધારપટ કરી નાખ્યું અને બધી જ લાઈટો બંધ કરી દેવામાં આવી. પછી બોસ્કીએ કહ્યું કે વિચારો તમારે ખાલી 30 સેકન્ડ આવી રીતે રહેવાનું થાય તો કેટલી તકલીફ પડે, તો આ દીકરીઓને તો આખી જિંદગી એવી રીતે રહેવાનું છે, હવે આવી જ દીકરીઓ આપણી વચ્ચે પરફોર્મ કરવા જઈ રહી છે, એ રીતે કરીને આ 8 દીકરીઓનો રાઉન્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
આખી દુનિયામાં છવાઈ ગઈ હોય એવી લાગણી
આ બધી જ 8 દીકરીઓ મોટાભાગે નાના નાના ગામડામાંથી આવે છે. શો બાદ તેમનો આત્મવિશ્વાસ એક અલગ જ લેવલ પર વધી ગયો છે. દીકરીઓ કહે છે અમે માત્ર ગ્લેમર વિશે સાંભળ્યું જ હતું. મોટા સ્ટેજ, મોટી મોડેલ, હજારોની જનતા…. આ બધું જ શો થકી અમને અનુભવવા અને જીવવા મળ્યું. જાણે આખી દુનિયામાં અમે છવાઈ ગયા હોય એવી ફિલિંગ આવી રહી છે. અમને એમ જ થાય છે કે અમે ફૂટબોલ મેચ જીતીને આવ્યા છીએ. બીજા દિવસે મોટી માત્રામાં લોકો બસ આ દીકરીઓ વિશે જ વાત કરી રહ્યા હતા. સંસ્થાના સેક્રેટરી પ્રકાશભાઈ બંકોળી પણ દીકરીઓને મળેલા માન સન્માન જોઈને ખુબ જ ખુશ થયા હતા. સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે રેમ્પ વોક પુરુ થયું એ બાદ આઠેય દીકરીઓના ચહેરા પર જે ખુશી હતી એ જોઈને બોસ્કીને મન ન થયું કે આ કપડાં અમે પરત લઈએ અને દરેક દીકરીને એ ગિફ્ટ કરી દીધા. અંદાજે એક એક ગાઉનની કિંમત 15000 રૂપિયાની આસપાસ હતા.
જેઓને તક નથી મળતી એમને આપ્યું સ્ટેજ
આ શ્રેય જેમને જાય છે એવા બોસ્કી નથવાણીના ઈન્સ્ટિટ્યુટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઈન (આઈ.એફ.જે.ડી.) વિશે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં લોકોને ફેશન શો વિશે માહિતગાર કરી રહ્યું છે અને શીખવાડી રહ્યું છે. 18 તારીખ અને રવિવારે તેમનો આ 7મો ફેશન શો હતો. દર વખતે ફેશન શોમાંથી મુંબઈથી મોડેલ આવે છે અને રેમ્પ વોક પર ચાર ચાંદ લગાવે છે. પરંતુ આઈ.એફ.જે.ડી.ના બોસ્કી નથવાણીએ જણાવ્યું કે આ વખતે અમે એવો વિચાર કર્યો કે એવા લોકોને રેમ્પ વોક પર તક આપીએ કે જેઓને ક્યારેય પોતાનું ટેલેન્ટ બતાવવાનો મોકો ન મળ્યો હોય, ક્યારેય સ્ટેજ ન મળ્યું હોય, ક્યારે એમના આત્મવિશ્વાસને લોકોએ જોયો ન હોય. પછી રાજકોટમાં તપાસ કરી અને આખરે બોસ્કી નથવાણીએ વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહનો સંપર્ક કર્યો અને સંસ્થાના સેક્રેટરી પ્રકાશભાઈ બંકોળીએ સરસ રિસપોન્સ આપ્યો. તેમણે અમને પરમિશન આપી. પ્રકાશભાઈએ મોટો સપોર્ટ કર્યો છે.
આ રીતે તૈયાર થઈ 8 દીકરીઓ
બોસ્કી નથવાણી જણાવે છે કે અમે ત્યાં દીકરીઓ સાથે આખા શો વિશે વાત કરી અને એમાંથી જે લોકોને રસ હોય એવી દીકરીઓ તૈયાર થઈ. પછી બધી દીકરીઓને ત્યાં ગ્રાઉન્ડ પર ચલાવી અને ઓડિશન લઈને 8 દીકરીઓને સિલેક્ટ કરી. અમે પણ એમના જીવન વિશે જાણ્યું કે કેવી રીતે જીવન જીવી રહ્યા છે અને અમારે કેટલી મહેનત કરવી પડશે. ત્યારબાદ 15 દિવસની પ્રેક્ટિસ કરાવી. કારણ કે અમારે પહેલાથી લઈ છેલ્લે સુધી ધ્યાન રાખવાનું હતું. હું ખુદ જ આ લોકોને પ્રેક્ટિસ કરાવવા જતી હતી. કપડા પણ એવાં જ પસંદ કરવાના હતા કે ચાલવામાં કોઈ તકલીફ ન પડે. આ 8 છોકરીમાંથી 4 છોકરીએ તો એવી હતી કે જેને સંપૂર્ણ પણે કંઈ જ દેખાતું નહોતું. એટલે ક્યાંક ચાલતા ચાલતા પડી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું હતું. જો કે એ દીકરીઓએ પ્રેક્ટિસ જ એટલી મહેનતથી કરી હતી કે એવો કોઈ ડર રહ્યો ન હતો.
ઈતિહાસમાં પહેલી વખત આવું જોયું
જ્યારે દીકરીઓ રેમ્પ વોક પર ઉતરી ત્યારના સીન વિશે બોસ્કી વાત કરતાં જણાવે છે કે ઈતિહાસમાં પહેલી વખત આટલી સરસ રીતે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. 2500-3000 લોકો હતા તેઓ બધા જ ઉભા થઈને તાળીઓ વગાડવા લાગ્યા હતા. એનાથી પણ વિશેષ વાત કરું તો જ્યારે શો શરૂ હતો અને દીકરી વોક કરતી હતી ત્યારે જ મને વીઆઈપી લોકોના મેસેજ આવવાનું શરૂ થઈ ગયું હતું કે અમે રડી રહ્યા છીએ, અમે આવું આ પહેલાના ઈતિહાસમાં ક્યારેય નથી જોયું. ચારેબાજુ સીટીઓ વાગતી હતી અને તાળીઓ પડી રહી હતી. શો પુરો થયો ત્યારે મારી આંખમાં પણ આંસુ આવી ગયા કે દીકરીઓએ ખરેખર કમાલ કરી દીધી. હવેના પ્લાન વિશે બોસ્કી જણાવે છે કે મને પણ છોકરીના સપના ઉંચા દેખાઈ રહ્યા છે અને આટલે જ અટકી જવાનું મન નથી થતું. એટલે મે વિચાર કર્યો છે કે 31 ડિસેમ્બરે એક સેલિબ્રેશન કરવું છે. આ સેલિબ્રેશનનો હેતુ પણ એવો છે કે બીજાને પ્રેરણા મળે. કારણ કે જો બીજી 10 દીકરીઓ પણ આ 8 દીકરીમાંથી પ્રેરણા લઈ કંઈક નવું કરશે તો એમનું જીવન બની જાય.
15 દિવસ સુધી તનતોડ મહેનત કરી
દ્રષ્ટિવિહિન આંખો કે જેને વિશ્વને જોવાની ઇચ્છા છે તેવી આ નેત્રહિન યુવતીઓ આ ચેલેન્જ સ્વીકારીને ફેશનની દુનિયામાં તેમની પાંખો ફેલાવી એ ખરેખર અદ્ભૂત છે. પરંતુ તેમની પાછળ દીકરીઓ અને બોસ્કી નથવાણીની મહેનત પણ એટલી જ છે. બ્લાઇન્ડ ગર્લને કઈ રીતે રેમ્પ વોક કરાવવું તે સૌથી મોટી ચેલેન્જ હતી. આ યુવતીઓને સ્પર્શથી દરેક રંગની ઓળખ છે પણ ક્યારેય આ ગ્લેમરસની દુનિયામાં પગ મૂક્યો નહોતો. આ આઠ બ્લાઇન્ડ ગર્લને ઝાકમઝોળભર્યા મંચ પર કઈ રીતે ચલાવવી તે બોસ્કી માટે મોટો ટાસ્ક હતો. ત્યારે 15 દિવસ ખાસ ટ્રેનરો દ્વારા આ યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી.. ભલે આંખો દ્રષ્ટ્રિવિહિન છે પણ તેઓ વિશ્વાસની પાંખો સાથે સરસ રીતે હવે રેમ્પ વોક કરતી કરી દીધી હતી. દીકરીઓ માટે ખાસ ડિઝાઇનર પાસે કોસ્ચ્યુમ તૈયાર કરાયા હતા. પહેલાં તો બોસ્કીને લાગતું હતું કે સરળ છે અને 40 સ્ટેપ છે તે ચાલી દ્યો. પણ બાદમાં ખબર પડી કે આ તો સરળ નથી. યુવતીઓ ચાલે ત્યારે 10 સ્ટેપ પછી તેમની લાઈન છૂટી જતી હતી. પહેલા સીધા ચાલવાની પ્રેક્ટિસ આપવી પડી, પછી પોઝ અને ડ્રેસ કેરી કરવાની પ્રેક્ટિસ આપી. કોમેન્ટ્રી સતત ચાલુ રાખવી પડી હતી. ત્યારે આ બધું કર્યા પછી 18 તારીખે જે શો થયો એનું પરિણામ આજે દુનિયાની સામે છે.