વરસાદમાં પણ ખાડા બૂરી શકાય તે માટે ખાસ પ્રકારના કેમિકલ ધરાવતા કોલ્ડમિક્સ વાપરવાનું શરૂ કરાયું છે જેથી કામગીરી ઝડપી બનશે. આ ખાસ પ્રકારના કોલ્ડમિક્સ વિશે વેસ્ટ ઝોનના સિટી એન્જિનિયર કમલેશ ગોહેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘શહેરની દર્શન એન્જિનિયરિંગ કોલેજે રિસર્ચ શરૂ કરી તેમા મનપા સાથે જાેડાઈ છે. તેમનું રિસર્ચ કોલ્ડમિક્સ પર હતું કે જે અલગ ટેક્નોલોજીથી બનાવેલો ડામર હોય છે તેનાથી ચાલુ વરસાદે પણ ખાડા બૂરી શકાશે.
હાલ સૌથી મોટી સમસ્યા એ હોય છે કે વરસાદમાં ડામરકામ કરાતું નથી પણ આ નવી ટેક્નોલોજીથી ખાડા બૂરવામાં રાહત રહે. ટ્રાયલ માટે વોર્ડ નં. ૧૧ના અલગ અલગ વિસ્તારોમાં ૪૦ ખાડા vબૂરવામાં આવ્યા હતા. જેમાંથી ૩૦ સ્થળ યથાવત્ છે જ્યારે ૧૦ ખાડામાંથી ડામર ઊખડી ગયો હતો. શહેરમાં ડામરની નીચે જે ફિલ્ડ મેટલનું લેયર હોય છે તેના પર આ ડામર ચોંટતો નથી તેથી હવે તે ફિલ્ડ મેટલ પર આરએસ૧ ઈમલ્શન લગાવી દેવાશે અને તેની ઉપર કોલ્ડમિક્સ લગાવીશું જેથી મેટલ પર પણ ટકી શકે.
ખર્ચની વાત કરીએ તો પેચવર્ક તો મોંઘા જ પડે છે પણ વરસાદમાં ખાડા બૂરવાથી વ્યવસ્થા થાય તો આપણા માટે તે સૌથી મોટું જમાપાસુ છે. આ ટ્રાયલ સફળ રહે તો ચોમાસા દરમિયાન ઘણી રાહત થશે.’ સામાન્ય ડામર કરતા આ કોલ્ડમિક્સ લગભગ બમણા ભાવનું હોય છે પણ તેની સૌથી મોટી ખાસિયત એ છે કે ડામર માટે વાહન લઈ જવા પડે ગરમ કરવા પડે પણ આ કોલ્ડમિક્સ સિમેન્ટની થેલી હોય તેમાં જ આવે છે એટલે તેનું વહન સરળ છે.
કોલ્ડમિક્સ થેલીમાંથી કાઢી તેને પાથરીને રોલિંગ કરાય તો પેચવર્ક થઈ શકે છે. તે સિમેન્ટની થેલી હોય તે રીતે અપાય છે અને તેમાં મિક્સિંગ કરીને પાથરી દેવાય છે. ચાલુ વરસાદ હોય ત્યારે પણ કામ થઈ શકે છે તેને કારણે લોકોને ખરાબ રસ્તામાં વાહન ચલાવવામાં થતા જાેખમમાંથી બચાવી શકાશે.રાજકોટ શહેરમાં ચોમાસા બાદ ખાડા સૌથી મોટી સમસ્યા છે ત્યારે આ ખાડા બૂરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ નવી ટેક્નોલોજીનું ટ્રાયલ કર્યું છે જેમાં ખાસ પ્રકારના ડામરથી ખાડા બૂરતા પરિણામો સારા મળ્યા છે, હજુ તેમાં સુધારો કરાશે.