રાત્રી કર્ફ્યુ હટતાની સાથે જ રંગીલુ રાજકોટ ફરી એક વખત રક્તરંજીત થયું છે. આજી જીઆઇડીસી રોડ પર મંગળવારે રાત્રે ૧૧ જેટલા શખ્સોએ શેરડીનાં રસનાં ચિચોડા ચાલકને છરીનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરપ્રાંતિય યુવાનનો મોબાઇલ ફોન ચોરીને ભાગતા જંગલેશ્વરનાં શક્તિ અને કૃપાલને મૃતક વ્યક્તિએ પકડ્યા હતા. પ્લાસ્ટિકનાં પાઇપથી ફટકારીને પરપ્રાંતિય યુવકને મોબાઇલ ફોન પરત કર્યો હતો.
જાે કે આ ઘટનાનો ખાર રાખીને આરોપીઓએ રાત્રે ૧૧ શખ્સો અલગ અલગ ચાર મોટર સાયકલમાં આવી ૯ છરીનાં ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે છ સગીર સહિત ૮ શખ્સોની ધપકડ કરી લીધી છે. રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા શખ્સોના નામ બહાદુર કિશોર ચૌહાણ અને શૈલેષ કિશોર ચૌહાણ છે. આ બન્ને સગાભાઇઓ પર આરોપ છે કે ખોડીયારનગરમાં રહેતા સલીમ કુરેશીની હત્યા કરી હતી.
મંગળવારે રાત્રે સવા અગિયાર વાગ્યે મૃતક સલીમ કુરેશી રસનો ચિચોડો બંધ કરી રહ્યા હતા તેવામાં ચાર મોટર સાયકલ પર ૧૧ શખ્સો ઘસી આવ્યા હતા. કેમ છોકરાઓને માર માર્યો હોવાનું કહીને ઝઘડો શરૂ કર્યો હતો. જેમાં આરોપી શક્તિ, બહાદુર અને શાહરૂખે મૃતકને પકડી રાખ્યો હતો. એક-બાદ એક છરીનાં નવ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાની પોલીસને જાણ થતા જ થોરાળા પોલીસ સ્ટેશનનો કાફલો પહોંચ્યો હતો, સમગ્ર મામલે તપાસ આદરી છે.
મૃતક સલીમ કુરેશીનાં ભત્રીજા અલ્ફાઝ કુરેશીએ શક્તિ ધનશ્યામ જાદવ, કૃપાલ ઉર્ફે કાનો અજય પરમાર, બહાદુર, વિક્કી, શાહરૂખ, શૈલેષ, શાહિદ સહિત ૧૧ શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેનાં આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ૬ સગીર સહિત ૮ શખ્સોની ધરપકડ કરીને તપાસ આદરી છે. પોલીસનાં કહેવા મુજબ, જંગલેશ્વરમાં રહેતા આરોપી શક્તિ જાદવ અને કૃપાલ ઉર્ફે કાનો પરમાર પરપ્રાંતિય યુવકનો મોબાઇલ ચોરી કર્યો હતો. મૃતક સલીમ કુરેશીની શેરડીનાં રસનાં ચિચોડે પાસે બન્ને આરોપી મંગળવારે સાંજે ૮ વાગ્યે ઝડપાઇ ગયા હતા.
મૃતક સલીમ કુરેશીએ બન્ને શખ્સો પાસેથી મોબાઇલ પરત લઇને પરપ્રાંતિય યુવકને પરત સોંપી દીધો હતો. જાેકે શક્તિ અને કૃપાલ જંગલેશ્વરનાં હોવાથી બન્નેને પ્લાસ્ટિકનાં પાઇપથી ફટકાર્યા હતા. જેનો ખાર રાખીને આરોપીઓ રાત્રે પરત ફર્યા હતા. આરોપી શક્તિએ સલીમ કુરેશી સામે આંગળી ચિંધી હતી અને બહાદુરમામા, વિક્કીમામા અને શૈલેષમામા આ શખ્સે મને મારમાર્યો હતો. જેથી ત્રણેય શખ્સો ઉશ્કેરાયા હતા અને સલીમને નવ જેટલા છરી અને પથ્થરનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
હાલ તો પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને છ સગીર સહિત આઠ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ આ મામલે હાલ તો તપાસ આદરી છે. જાે કે રાત્રી કર્ફ્યુ હટતાની સાથે જ રાજકોટમાં રાત્રી ગુનાઓનાં કેસમાં વધારો થયો છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કાબુમાં હોવાનાં દાવાઓ કરી રહી છે. તો બીજી તરફ રાજકોટમાં લુખ્ખાઓ રાત્રીનાં બેફામ બનીને પોલીસને પડકાર ફેંકતા જાેવા મળી રહ્યા છે, તેવામાં હત્યાનાં કેસમાં પોલીસ તપાસમાં કેટલા નવા ખુલ્લાસાઓ થાય છે અને ફરાર આરોપીઓને રાજકોટ પોલીસ કેટલા સમયમાં પકડે છે તે જાેવું રહ્યું છે.