રાજકોટ શહેર પોલીસનો વિવાદ થમવાનું નામ નથી લેતો. અગાઉ કમિશનકાંડ અને બાદમાં બૂટલેગર સાથે તોડકાંડનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બૂટલેગર અલ્તાફ પાસે ૯૫ લાખના તોડકાંડ મામલે બે દિવસ પહેલા ડીસીપી ઝોન-૧ તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. તપાસ દરમિયાન અલ્તાફ પાસેથી પોલીસે તોડ કર્યાની એક ડાયરી મળી આવી છે. જેમાં ૬૪ પોલીસકર્મી સાથે કનેક્શન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તોડકાંડના કેસમાં અલ્તાફની ડાયરીમાંથી અનેક રહસ્યો બહાર આવી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર થોરાળાના વિજયનગરમાં રહેતા લિસ્ટેડ બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફ થઈમ પાસેથી મર્ડર કેસમાં ૯૫ લાખનો તોડ કરવાના પ્રકરણમાં ઈન્ચાર્જ પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પી.આઈ. વી. કે. ગઢવીના ઈજાફા છ માસ સુધી અટકાવવાનો અને તપાસનીશ પી.એસ.આઈ. જેબલીયાની સામે ખાતાકીય તપાસનો અને ક્રાઈમ બ્રાન્ચના ત્રણ પોલીસમેનની બદલી કરવા ઉપરાંત ઝોન-૨ના ડી.સી.પી.ને ઈન્ક્વાયરીનો આદેશ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર બુટલેગર અલ્તાફ મર્ડર કેસમાં અંદાજે બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યો હતો. પકડાયો ત્યારે તેની પાસેથી ડાયરી મળી હતી, જેમાં તેના દારૂનો હિસાબ ઉપરાંત રાજકોટ ક્યા પોલીસકર્મીને કેટલો હપ્તો આપતો તેની સ્ફોટક માહિતી હતી, જેના આધારે જે-તે વખતે ક્રાઈમ બ્રાન્ચના ૮ સહિત કુલ ૧૧ પોલીસમેનની જિલ્લા બહાર બદલીનો આદેશ કરાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર બુટલેગર અલ્તાફ બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યો હતો.
તેમ છતાં રાજકોટ પોલીસની સાંઠગાંઠથી તેનો દારૂનો ધંધો કર્યો અને બે વર્ષમાં ૯ કરોડનો દારૂ વેચી નાખ્યો હતો. ડાયરીમાંથી જાણવા મળ્યું હતું કે બુટલેગર અલ્તાફના પેરોલ ઉપર રાજકોટના અધધ કહી શકાય તેટલા ૬૪ પોલીસકર્મી છે. આ પોલીસકર્મી હપ્તા લઈ અલ્તાફને દારૂનો ધંધો કરવા માટેની તમામ સગવડો પુરી પાડતા હતા. આ તમામ પોલીસકર્મીના નામ ડાયરીમાં મળી આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.
તમામ ૬૪ પોલીસકર્મી સામે જાે પગલાં લેવાય તો સમગ્ર રાજ્યમાં ઉહાપોહ મચી જાય તેવી સ્થિતિ છે. જેથી તત્કાલીન અધિકારીઓએ વચલો રસ્તો કાઢી ૭ પોલીસકર્મી સામે કાર્યવાહી કરી છે અને બાકીના પોલીસકર્મીઓનું નિવેદન લઈ કાર્યવાહી આટોપી લીધી હોવાનું જાણવા મળ્યું છે.