છેલ્લા કેટલાય સમયથી નશીલા માદક પદાર્થો ઝડપાવાનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફુલ ૫,૪૪,૨૫૦ રૂપિયાનો માદક પદાર્થ હેરોઇન તેમજ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપી વસીમ અસરફભાઈ મુલતાનીની ધરપકડ પણ કરવામાં આવી છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમી મળી હતી કે રામનાથ પરા શેરી નંબર ૮ જાની અનાજ ભંડાર સામે વસીમ પિંજરા નામનો શખ્સ પોતાના સ્લીપરમાં માદક પદાર્થોનો જથ્થો સંતાડીને આંટાફેરા મારી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વસીમ પિંજરાને ઝડપી પાડવામાં આવ્યો છે.
તેમજ તેણે પોતાના સ્લીપરમાં છુપાડેલ ૧૬૬૫૦ ની કિંમતનો ૩.૩૩૦ ગ્રામ હેરોઇન નો જથ્થો, ૩,૮૬,૭૦૦ રૂપિયાની કિંમતનો ૩૮.૩૭૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો, ૧,૪૦,૯૦૦ રૂપિયાની કિંમતનો ૧૪.૦૯૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી મોબાઇલ ફોન તેમજ ગુનાના કામે વાપરવામાં આવેલા બે નંગ સ્લીપર પણ કબજે કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ડ્રગ્સ બાબતે બાતમી મળી હતી. બાતમીના આધારે સર્વેલન્સ કરીને વેરીફાઈ કરવામાં આવ્યું હતું. વસીમ પિંજરા ના ચંપલ માંથી હિરોઈન તેમજ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.
એમડી ડ્રગ્સ ની એક ગ્રામ ની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ જેટલી થાય છે. વસીમ પિંજરા અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ યુવાવર્ગને ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરતો હોવાનું જણાવ્યું છે. આરોપીએ પોતાના સ્લીપરની નીચે આવેલા થીક સોલમાં ડ્રગ્સ છુપાવી ફરી ફેવિકોલ થી તેને ચિપકાવી દેતો હતો.
વર્ષ ૨૦૨૦માં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા માલિયાસણ પાસે ના બસ સ્ટેન્ડમાંથી વસીમ પિંજરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. વસીમ પિંજરાની અંગ જડતી કરતાં તે સમયે પણ તેના ચપ્પલ ના નીચેના ભાગમાંથી બ્રાઉનશુગરનો પાંચ લાખથી વધુનો જથ્થો મળી આવ્યો હતો.
યોગાનુયોગ આ વખતે પણ રૂપિયા પાંચ લાખથી વધુનો માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. તેમજ ગત વખતે જે પ્રમાણે ચંપલ નો કલર હતો એ જ પ્રમાણે આ વખતે પણ ચંપલ નો કલર સામ્યતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આમ, આરોપી તેની મોડસ ઓપરેન્ડી તેમજ ગુનાના કામે વાપરવામાં આવેલ ચપ્પલ અને માદક પદાર્થના જથ્થાની કિંમત બંને ગુનામાં મોટાભાગે સામ્યતા ધરાવતી હોય તેવું લાગી રહ્યું છે.