Ahmedabad News : અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર સર્જાયેલા અકસ્માત બાદ પોલીસ એક્શન મોડમાં (police action mode) આવી ગઈ છે, અને સતત ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટંટબાજો, નશો કરી ડ્રાઈવ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. જ્યારે ગઇકાલે રાત્રે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરાઇ હતી. રાત્રે 10થી 2 વાગ્યા સુધી પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, એક કારચાલક પાસેથી દારૂની બોટલ પણ મળી આવી હતી. ઉપરાંત પોલીસની ટીમે સિંધુ ભવન સહિત આવેલા કાફેમાં પણ ચેકીંગ શરૂ કર્યું હતું.
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ હવે પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. રાજ્યના પોલીસ વડાએ સમગ્ર રાજ્યમાં એક મહિના માટે આપેલી વાહન ચેકીંગની ડ્રાઈવ બાદ આજે શહેર પોલીસ કમિશનરે રાત્રિના 10થી 2 વાગ્યા સુધીની એક વિશેષ ડ્રાઈવ રાખી હતી, જેમાં સમગ્ર અમદાવાદમાં અલગ-અલગ 100થી વધુ નાકા પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં આ તમામ પોઇન્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
પોલીસે સ્પીડ ગન, બ્રેથ એનેલાઈઝરનો પણ ઉપયોગ કર્યો હતો. તમામ જગ્યાએ પોલીસે બેરિકેટ લગાવીને ચેકીંગ હાથ ધર્યું હતું, જેમાં શંકાસ્પદ વાહનચાલકોની તપાસ ઉપરાંત તેમના વાહનના દસ્તાવેજ અને લાયસન્સ સહિતની ચકાસણી કરી હતી, જો કોઈ વાહનચાલક શંકાસ્પદ જણાઈ આવે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
વાહન ચેકીંગ દરમિયાન કેટલાક વાહનચાલકો નશીલા દ્રવ્યોનું સેવન કરીને વાહન ચલાવતા તો કેટલાક કારચાલકો બ્લેક ફિલ્મ લગાવેલ કાચવાળી કાર સાથે પણ જોવા મળ્યા હતા. પોલીસે આવા વાહનો ને જપ્ત કરવા અને દંડ કરવા સહિતની કામગીરી હાથધરી છે. જોકે, એક કારચાલક પાસેથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસની ટીમે સિંધુ ભવન સહિત આવેલા કાફેમાં પણ ચેકીંગનું કામ શરૂ કર્યું હતું.