સુરતના પીપલોદ વિસ્તારમાં ઝડપનો કહેર જોવા મળ્યો છે. આજે સવારે એક સ્કુલ વાન સાથે સ્પીડમાં આવતી કારે ટક્કર મારી હતી. આ સ્કૂલ વાનમાં 9 બાળકો હતા. અકસ્માતમાં એક બાળકીને માથામાં ગંભીર ઈજા થઈ છે જ્યારે અન્ય આઠ બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ મંગળવારે સવારે વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાં શારદાયતન સ્કૂલ પીપલોદ જઈ રહ્યા હતા. તે પહેલા અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે બાજુમાંથી પુરપાટ ઝડપે આવતી કારે વાનને ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્કૂલ વાન પલટી ગઈ હતી.
સવારના સમયે બનેલા આ અકસ્માત બાદ બાળકોની ચીસાચીસ થઈ ગઈ હતી. બાળકોના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ મદદ માટે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી બાળકોને વાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત બાદ બાળકો ખૂબ જ ડરી ગયા હતા. એક બાળકીને માથામાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે અન્ય બાળકોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ટક્કર બાદ કાર ચાલક નીચે ઉતરી ગયો અને બાળકોને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી હોવાનું જોવા મળે છે.