રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાનો કેસ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. કારણ કે હત્યારો રસ્તા પર દોડી રહેલી એક ખાનગી કંપનીની સ્લીપર કોચ બસમાં જ યુવકની કરપીણ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો અને કોઈને ગંધ પણ ન આવવા દીધી. હત્યા થઈ તેમ છતા પણ કોઈ મુસાફરને હત્યારાએ જાણ થવા દીધી નહોતી. જેના પરથી લાગી રહ્યું છે કે, હત્યારો કોઈ રીઢો ગુનેગાર હોઈ શકે છે.
તો હત્યાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, સુરતથી જામજાેધપુર જઈ રહેલી ખાનગી કંપનીની સ્લીપર કોચ બસમાં આ યુવકની હત્યા થઈ હતી. જ્યારે આ બસ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પહોંચી ત્યારે યુવકની હત્યા થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. બસમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળતા મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ કુવડવા પોલીસ તેમજ બી ડિવીઝન પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકનો મૃતદેહ કબજે કર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, મૃતકનું નામ પ્રવીણકુમાર વાઘેલા હતા. એવો પણ ખુલાસો થયો કે, રાત્રે એક જગ્યાએ બસનો હોલ્ડ કરવામાં આવ્યો હતો. એ સમયે મૃતક તેની બસમાંથી બહાર આવ્યો હતો. એ પછી બસમાં પાછો આવીને પોતાની સીટ પર બેસી ગયો હતો. બાદમાં તે બહાર આવ્યો નહોતો. આ દરમિયાન હત્યારો ખૂબ જ ચાલાકીપૂર્વક યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો અને કોઈને ગંધ પણ ન આવવા દીધી હતી.
આ હિચકારી હત્યાના મામલે પોલીસે મુસાફરી કરી રહેલાં તમામ મુસાફરોની માહિતી મેળવશે અને તેમના નિવેદન પણ નોંધશે. સાથે જ બસના સંચાલક અને ડ્રાઈવર તથા ક્લીનરનું પણ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવશે. હત્યારાનું પગેરુ મેળવવા માટે પોલીસ દ્વારા બસમાં લગાવાવમાં આવેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે. આ સિવાય બસ જે જે જગ્યાએ કે હોટલે ઉભી રહી હતી ત્યાં જઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. યુવકની હત્યા કયા કારણોસર થઈ અને કોણે કરી એ જાણવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.