દર વખતની જેમ આ વખતે પણ પ્રાઈવેટ બસો વાળાએ લૂંટવાના ધંધા શરૂ કરી દીધા છે અને ભાવ સીધા ડબલ કરી નાખ્યા છે. લોકો પણ મજબૂરીનો ભોગ બનીને પૈસા આપી રહ્યા છે. કારણ કે ટ્રેન બધી ફૂલ છે. ક્યાંય જગ્યા જ નથી બચી. વાત જાણે કે એમ છે કે સુરતમાં સોરાષ્ટ્રમાંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. જોકે, તહેવારોના સમયમાં આ લોકો પોતાના ઘરે વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર તરફ જનારા લોકોની સંખ્યા વધારે છે.
હવે આ જ વાત ખાનગી બસોવાળઆ પણ જાણી ગયા હોવાથી સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના ભાડામાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યા છે. સુરતમાં ટ્રેનો બધી ફૂલ થઈ ગઈ છે. જેના કારણે બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થઈ ગયા છે. સુરતથી નોન એસી બસોનું ભાડું 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે એસી બસોનું ભાડું 3 હજાર સુધી છે.
દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરીએ તો નોન AC સુરત-રાજકોટ બસનું ભાડું રૂ.1200, સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500, સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000, સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા, સુરતથી ઈન્દોર જવા માટે એસી બસનું ભાડુ રૂ.3000 અને નોન AC બસનું ભાડું 2000 રૂપિયા લેવામાં આવી રહ્યું છે.