સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રીષ્મા હત્યા કેસમાં સુરતની કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. અત્યારે નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં ગત ૧૨ ફેબ્રુઆરીએ ફેનિલે ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરી હતી. અને તેનો વીડિયો પણ વાઈરલ થયો હતો . અતિ મહત્વના આ ચુકાદાના સમયે કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા.
સુરત કોર્ટના આ મહત્વના ચુકાદાથી ગ્રીષ્માને ન્યાય મળ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યુ છે. ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જાેઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, એ વીડિયો જ આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે આ અંગે ગ્રીષ્માના પિતાએ જણાવેલ કે, અમારી દિકરી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. આ ચૂકાદા બાદ અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓએ પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર માન્યો હતો.