શાસક પક્ષના દબંગગીરીના વીડિયો અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે હવે તો પૂર્વ શાસક પક્ષના વીડિયો પણ સામે આવવા લાગ્યા છે. સુરત શહેરમાં થોડા દિવસોથી જાહેરમાં માર મારવાની ઘટનાઓ આમ પણ વધી રહી છે. ત્યારે વકીલ પર હુમલો થયાના ગણતરીના દિવસોમાં જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં જ ડીંડોલીમાં કેળા વેચતા કિશોરને જાહેરમાં દંડા ફટકારવામાં આવ્યા હોવાની ઘટના આખા ગુજરાત માટે હચમચાવતી છે. સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ નગરસેવક અને શાસક પક્ષના નેતાના ભાઈએ આ કાંડ કર્યો છે,
શાસક પક્ષના નેતાના ભાઈએ કાયદો હાથમાં લઈને દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકાર્યા છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું કહેવામાં આવ્યું છે. વાત જાણે કે એમ છે કે ડીંડોલી વિસ્તારમાં આવેલા ઓમ નગર ખાતેના જાહેર રસ્તા પર એક કિશોર લારી લઈને કેળાનું વેચાણ કરતો હતો. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંઘના ભાઈ કૃપાશંકર હાથમાં લાકડી સાથે ત્યાં પહોંચ્યા હતા.
જો કે ખાલી પહોંચ્યા જ હોત તો કોઈ વાંધો નથી, પરંતુ સાહેબે તો કેળાનું વેચાણ કરતા કિશોરને ત્યાંથી દૂર જતો રહેવાનું કહી તેના પર લાકડી લઈને તૂટી પડ્યા હતા. એક પછી એક લાકડીના ફટકા યુવકને માર્યા હતા. આ નિર્દય નજારો જોઈને આસપાસમાં લોકો પણ વિચારમાં પડી ગયા હતા. પૂર્વ નગરસેવક દયાશંકર સિંઘના ભાઈ કૃપાશંકર દ્વારા એક સામાન્ય લારી વાળાને અને તે પણ દિવ્યાંગ પર લાકડી વડે માર મારવાની ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા મોબાઈલમાં વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. હવે તેમના પર થૂ થૂ થઈ રહ્યું છે અને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.