સુરત શહેરમાં વધુ એક ઘટના બની છે કે જેમાં એક મહિલાને હવસનો શિકાર બનાવવામાં આવી છે. ૨૭ વર્ષની મહિલા અડાજણમાં છૂટક ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન તેની મિત્રતા જમીન દલાલ સાથે સાથે થઈ હતી, જેણે મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી જમીન દલાલના મિત્રએ પણ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ મામલે સુરત પોલીસે ગેંગરેપનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે આ કેસમાં પોલીસે ૩૪ વર્ષના ઘોડાદોડ રોડ પર રહેતા જમીન દલાલ જયેશ ઉર્ફે જય હેમંત બડોડીકર અને મૂળ મહારાષ્ટ્રના ૨૭ વર્ષના યોગી અરુણ પવાર નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. ઘટના એવી છે કે ફૂટપાથ પર છૂટક વેપાર કરીને ગુજરાન ચલાવતી ત્યક્તા એક બાળકની માતા છે અને તેની મિત્રતા જયેશ સાથે થઈ હતી, આ પછી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મહિલા ત્યક્તા હતી અને જયેશ પરિવારમાં એકલો જ હતો જેથી તેણે મહિલાને પોતાના ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ બન્નેએ લગ્નનો ર્નિણય લેતા મહિલાએ પોતાના ૮ વર્ષના બાળકને તેના પિતા પાસે મોકલવાનો ર્નિણય કર્યો હતો. બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા તે દરમિયાન જયેશે વિડીયો પણ ઉતારી લીધો હતો. આવામાં ૮મેના રોજ બનેલી ઘટનામાં પીડિત મહિલા સાથે જયેશે શારીરિક સંબંધ બાંધ્યા પછી તે રૂમમાંથી બહાર જતો રહ્યો હતો. આ દરમિયાન જયેશનો મિત્ર યોગી પવાર રૂમમાં ઘૂસી ગયો હતો. જ્યારે તેણે મહિલા સાથે જબરજસ્તી કરી તો પીડિતાએ તેનો પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી.
અહીં હાજર ધ્રૂવ નામના જયેશના મિત્રએ અને યોગીએ મહિલાને માર માર્યો હતો. આ પછી યોગીએ મહિલા પર બળાત્કાર કર્યો અને તેનો ધ્રૂવે વિડીયો ઉતારી લીધો હતો. મહિલાએ આ અંગે જે વ્યક્તિને ભાઈ માનતી હતી તેની મદદ લઈને મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ઉમરા પોલીસે નિવેદન નોંધવાના બહાને આરોપીને બોલાવીને જયેશ અને યોગીની ધરપકડ કરી લીધી હતી. હવે સુરત પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી શરુ કરી છે.