મોટા વરાછામાં રહેતા એક રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવીને પોલીસ તરીકેની ઓળખ આપીને રુપિયા ૧.૫૦ લાખનો તોડ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પીડિતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ચકચારી પ્રકરણમાં અમરોલી પોલીસે કાપોદ્રામાં નોકરી કરતા બે હોમગાર્ડ સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી રુપિયા ૧.૫૦ લાખ પણ કબજે કર્યા છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોટા વરછામાં રહેતા ૪૮ વર્ષીય રત્નકલાકારે ગઈ ૨૪ જૂને અમરોલી પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. પીડિતે ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે, ૧૦ મહિના અગાઉ તેમના મોબાઈલ પર એક પૂનમ નામની યુવતીનો ફોન આવ્યો હતો. બાદમાં આ યુવતીએ તેમને અમરોલી રિલાયન્સ નગરમાં આવેલાં એક મકાનના ત્રીજા માળે બોલાવ્યા હતા. જ્યારે આધેડ આ મકાનના ત્રીજા માળે પહોચ્યા ત્યારે યુવતીએ અચાનક જ પોતાનાં કપડાં કાઢી નાખ્યા હતા.
આ દરમિયાન ચાર શખસો આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. બાદમાં આધેડને કૂટણખાનુ ચલાવતા હોવાનું કહી ગુનો નોંધવાની ધમકી આપી હતી. બાદમાં એક મિત્રને મધ્યસ્થી રાખીને આરોપીઓને રુપિયા ૧.૫૦ લાખ આપ્યા હતા. આ ઘટના બન્યા બાદ યુવતીએ આધેડને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, પોતાની સાથેનો ફોટો વાયરલ કરી દઈશ. આવું કહીને ધમકી આપ્યા બાદ તેણે પણ રુપિયાની માંગણી કરી હતી. અમરોલી પોલીસના નામે તોડ કરવામાં આવ્યો હોવાથી પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લીધી હતી.
બાદમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. એ પછી પોલીસે વિલાસ પુરાણી નામની મહિલાની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સમગ્ર હકીકત બહાર આવી હતી. બાદમાં પોલીસે તોડકાંડમાં કાપોદ્રા વિસ્તારાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા કલ્પેશ મનસુખ ચૌહાણ અને યુવરાજ અભેસિંહ પરમારને ઝડપી પાડ્યા હતા. આ લોકોએ પોલીસ તરીકેની ઓળક આપી હતી. બાદમાં પૂછપરછ પછી પોલીસે આ ષડયંત્રમાં સામેલ જીગ્નેશ ચૌહાણ અને હરીશ રાઠોડને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે.