વિધર્મી પરિણીત યુવકે શનિવારે મોડીરાત્રે પૂર્વ પ્રેમિકાના ઘરે આવીને તોફાન કરવાના કિસ્સાએ શહેરમાં ચકચાર મચાવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં બનેલી ઘટનામાં ત્રણ વર્ષ સુધી લીવ ઈનમાં રહ્યા બાદ વિધર્મી યુવકે માતા-પિતા વિહોણી યુવતીને તરછોડી દીધી હતી. યુવતીના ઘરે જઈને તોફાન કરવાના કિસ્સામાં શહેર પોલીસે વિધર્મી યુવક સામે જરુરી કાર્યવાહી કરી છે, પોલીસે યુવતીની છેડતી કરનારા અને તેના ઘરે તાયફો કરનારા શખ્સની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. યુવકે મોડીરાત્રે કરેલા તાયફાના કારણે આડોશીઓ પાડોશીઓને પણ ભારે આશ્ચર્ય થયું હતું.
પરણિત વિધર્મી યુવકે યુવતી સાથે ફરી સંબંધ રાખવા માટે હોબાળો કર્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. મળતા રિપોર્ટ્સ મુજબ અમરોલીના મનીષ ગરનાળા વિસ્તારમાં આ ઘટના શનિવારે મોડીરાત્રે બની હતી. જેમાં સૈયદપુરાના ભંડારીવાડના અલકરામ એપાર્ટમેન્ટમાં રહેતા શાહિદ ઝાકીર શેખે યુવતીના ઘરનો દરવાજાે ખખડાવીને હોબાળો કર્યો હતો. કોઈ બીજા સાથે લગ્ન કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપવાની સાથે મોટેથી અપશબ્દો બોલાતા શાહિદથી ગભરાયેલી યુવતીએ પોલીસની મદદ લીધી હતી.
યુવતીને વિધર્મી યુવક હેરાન કરતો હોવાની જાણ થતા અમરોલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ડરેલી યુવતીની મદદ કરીને શાહિદ શેખની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં યુવતીની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે યુવતીએ નાનપણમાં જ પોતાના માતા-પિતા ગુમાવી દીધા છે. આ પછી ચારે બહેનો પોતાના કાકાના ત્યાં રહેતી હતી. પીડિત યુવતી હીરાના કારખાનામાં કામ કરતી હતી અહીંથી તે રિક્ષાવાળા શાહિદ શેખના પ્રેમમાં પડી હતી. આ પ્રેમ સંબંધો બાદ બન્ને એકલા રહેવા લાગ્યા હતા.
રિક્ષાવાળાના પ્રેમમાં પડ્યા બાદ યુવતી અલગ રહેવા લાગી હતી. ત્રણ વર્ષ સુધી ૨૫ વર્ષની યુવતી શાહિદ સાથે લીવ ઈનમાં રહ્યા બાદ બન્ને અલગ થયા હતા. વર્ષ ૨૦૧૯માં રિક્ષાચાલક શાહિદે સમાજની જ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. આ પછી પીડિત યુવતી એકલી અમરોલી વિસ્તારમાં રહેતી હતી. પોતાના લગ્ન થઈ ગયા પછી પણ શાહીદ યુવતીની સાથે ફરી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરીને તેને હેરાન કરતો હતો. પોલીસે આ કેસમાં યુવતીને બીજે લગ્ન કર્યા તો મારી નાખવાની ધમકી આપનારા રિક્ષાચાલક શાહીદ ઝાકીર શેખની ધરપકડ કરીને જરુરી કાર્યવાહી કરી છે.