જિલ્લામાં યુવકે નામ બદલીને ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું હતું. એ પછી એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અઠવાડિયા પહેલાં જ આ યુવકે યુવતીને મળવા માટે બોલાવી હતી અને પછી ત્યાંથી ભગાડીને લઈ ગયો હતો. આ ઘટના પછી યુવતીના માતા-પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જાે કે, આ ઘટના પછી યુવક અને યુવતી પોલીસના હાથે ન લાગતા યુવતીના પરિવારજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
સાથે જ એવી માગ કરી હતી કે યુવકને પકડી લાવી કડકમાં કડક સજા થાય. ત્યારે નવસારી જિલ્લામાં આ કિસ્સો લોકચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, નવસારી જિલ્લામાં રહેતી યુવતીએ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરેલો છે. આ યુવતીને વલસાડમાં રહેતા અને બસ ડ્રાઈવર તરીકે નોકરી કરતા યુવક સાથે સંપર્ક થયો હતો. આ યુવકે ઈન્સ્ટાગ્રામ પર જીગર પટેલના નામથી ફેક આઈડી બનાવ્યું હતું.
આ આઈડી દ્વારા જ યુવતીને યુવક સાથે સંપર્ક થયો હતો. મિત્રતા થયા પછી બંને ચેટિંગ કરતા હતા. એ પછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ગઈ ૬ જૂનના રોજ યુવતીની તેની જ જ્ઞાતિના યુવક સાથે સગાઈ હતી. એ પછી અઠવાડિયા અગાઉ એટલે કે ૨૧ જૂનના રોજ વલસાડના ધોબીતળાવ ખાતે રહેતા યુવક ઈબ્રાહિમ શેખે યુવતીને સાંજે ફોન કરીને મળવા માટે બોલાવી હતી. બાદમાં આ યુવક યુવતીને ભગાડી ગયો હતો. આ ઘટના બાદ પરિવારે યુવતીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી.
પરિવારને તપાસ કરતા એવું જાણવા મળ્યું કે, યુવક ઈબ્રાહિમ શેખ તેમની દીકરીને ભગાડી ગયો છે. આખરે આ પરિવારે ગણદેવી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ થયા બાદ યુવક અને યુવતીની શોધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તેમ છતા આજદિન સુધી તેઓના કોઈ સુઘડ મળ્યા નહોતા. પોલીસ પણ યુવક અને યુવતીને ઝડપી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ હતી. જે વાતથી યુવતીના પરિવારના લોકો પણ ચિંતિત હતા. આખરે યુવતીના પરિવારજનોએ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ પરિવારે એવી માંગણી કરી હતી કે યુવકને પકડી લાવવામાં આવે અને તેને સખત સજા કરવામાં આવે.