રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સુસજ્જ છે. તે માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ(GSDMA) દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન (DDMP) તૈયાર કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તાલુકા, શહેર, ગ્રામ્ય કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન (TDMP, CDMP, VDMP) અદ્યતન કરાયા છે. GSDMA દ્વારા નિમણુક પામેલા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર દ્વારા નિયમિત રીતે તાલીમો, નિદર્શન, જનજાગૃતીકરણને લગતા પણ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જિલ્લામાં ઉપલબદ્ધ શોધ અને બચાવ કામગીરીના સંસાધનો અધ્યતન સ્થિતિમાં રાખવામાં આવ્યાં છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલું વર્ષે ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા અને મહાનગરપાલિકા ખાતે ૫૦ જેટલા ઓરીએન્ટેશન કાર્યક્રમો, ૩૦ જેટલી તાલીમો, ૨૨ જેટલી મોકડ્રીલ/નિદર્શન કરાયા છે. ચાલુ વર્ષે શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત શાળા સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાઓમાં રાહત અને બચાવની કામગીરી માટે NGO સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. GSDMA દ્વારા અપ સ્કેલીંગ ઓફ આપદા મિત્ર સ્કીમ અંતર્ગત માર્ચ ૨૦૨૩ સુધીમાં ૪૫૦૦ જેટલા આપદા મિત્ર સ્વયં સેવકોને SDRF મારફતે ૧૨ દિવસની શોધ અને બચાવની તાલીમો આપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો
આજથી ફરી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પર દોડી, મુસાફરના હાથમાં જોવા મળી ભગવાનની મૂર્તિ
શુભમન ગિલ સાથે ડેટ કરવાના સમાચાર, હવે સારા અલી ખાને ‘ક્રિકેટર’ સાથે લગ્નના પ્લાન પર હા પણ પાડી દીધી
મંત્રીએ “બીપરજોય” વાવાઝોડા બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, GSDMA દ્વારા સબંધિત દરિયાકાંઠાનાં જિલ્લાઓને IMD દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતું વેધર બુલેટિન મોકલી જરૂરી તકેદારીના પગલા લેવા જણાવ્યું છે. આ ઉપરાંત સબંધિત DPOને IMDની વેબસાઈટ પર આવતી અદ્યતન માહિતી/બુલેટિન/વોર્નિંગથી અપડેટ રહેવા અને જિલ્લા કલેક્ટરના પરામર્શમાં રહી જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે. વાવાઝોડા સમયે નાગરીકોએ શું કરવું? અને શું ન કરવું? જેવી બાબતો અંગે જનજાગૃતિ કેળવાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો રાજ્યભરમાં હાથ ધરવામાં આવી રહ્યા છે.