જેમ જેમ વિધાનસભા નજીક આવે છે એમ એમ રાજકારણમાં ખલેલ પહોંચી રહી છે. 5 વર્ષની શાંતિ જાણે ડહોળાઈ જાય એવો માહોલ ઉભો થતો હોય છે. ત્યારે હવે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી ગયા છે અને નેતાઓની દોડાદોડી વધી ગઈ છે. થોડા દિવસ પહેલાં જ રાજ્યના ટુરિસ્ટ અને સિવિલ એવિયેશન મંત્રી પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ -મકાન વિભાગનો હવાલો છીનવી લેવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં આવું શા માટેવ કર્યું એના કારણોની પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
તેમના વિભાગમાં મંત્રીએ ટેન્ડર પ્રમાણે બીલો ચૂકવવાનો આગ્રહ રાખ્યો હતો. ટેન્ડરની વિસંગતતા, એક્ટ્રા ખર્ચ કે ડેવીયેશનના બીલો બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમણે ઇમ્પોર્ટેડ ડામર બંધ કરી દેતાં અને દર કિલોમીટરે સોઇલ ટેસ્ટીંગનો આગ્રહ રાખ્યો હોવાથી અમુક તત્વો તેમનાથી નારાજ થયા હતા એવી પણ વાતો સામે આવી હતી. પણ મહત્વની વાત એ છે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતના કોન્ટ્રાક્ટરો તેમને વધારે ખટકી ગયા છે. મંત્રી પાસેથી ખાતું છીનવાઇ જતાં તેઓ ફાવી ગયા હોય એવું લાગી રહ્યું છે.
તો આ તરફ જો વાત કરીએ તો આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્ણેશ મોદી કે જેમને વડાપ્રધાનની નજીક માનવામાં આવે છે તેઓ આ વિભાગ સાથે શક્તિશાળી મંત્રી તરીકે ઉભરી રહ્યાં હતા. માટે અહીં પણ બિન કાર્યક્ષમતાના નામે તેમને બદનામ કરવાનું કાવતરૃં રચવામાં આવ્યું હતું. મહત્વનું બીજું કારણ પાર્ટીની આંતરિક જૂથબંધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કે જેઓ તેમને સુરતમાં પૂર્ણેશ મોદીને પોતાના સ્પર્ધક માને છે. સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં પાટીલનો દબદબો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે માર્ગ-મકાન વિભાગમાંથી પૂણેશ મોદીને હટાવી લેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આ વાત હાલમાં રાજકીય ગલીઓમાં ચર્ચાઈ રહી છે. એમાં કેટલું તથ્ય છે એના વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી.