અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવ્યું છે જેમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે 11ને જનમટીપની સજા ફટકારવામાં આવી છે. આરોપી નંબર 1થી 18, 27, 28, 31, 36, 37, 38, 39, 40, 42, 44, 45, 47, 49, 63, 69, 70, 75, 78ને ફાંસીની સજા આપવામાં આવશે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 8 ફેબ્રુઆરીની સવારે 11 વાગ્યે જજે ચુકાદો આપવાની શરૂઆત કરી હતી. આ સમયે સાબરમતી જેલમાં બંધ દોષિતો જેમ જેમ ચુકાદો આવતો ગયો એમ એમ રડવા લાગ્યા હતા, જેવી સજાની જાહેરાત થતી કે કેટલાક દોષિત રડવાનું શરૂ કરી દેતા હતા તો કેટલાક માનસિક રીતે ભાંગી પડ્યા હતા. બીજી તરફ અમુક દોષિતના ચહેરા પર પસ્તાવો પણ જોવા મળ્યો નહોતો.
અમદાવાદ શહેરને 26 જુલાઈ, 2008ના રોજ આતંકીઓ દ્વારા લોહીલુહાણ કરવામાં આવ્યું હતું. આ સિરિયલ બોમ્બબ્લાસ્ટના 49 દોષિતને સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી છે. 49માંથી 38ને ફાંસીની અને 11ને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલની બહાર જ્યારે જ્યાં દોષિતોને વીડિયો-કોન્ફરન્સથી કોર્ટમાં જોડવામાં આવ્યા હતા ત્યારે જેલ સિપાહી, SOG અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સતત તમામ દોષિત પર નજર રાખવામાં આવી રહી હતી.