ગુજરાત સરકારે રાજ્યના સુરેન્દ્રનગર સ્થિત ચોટીલા ટેકરી પર રોપ-વે બનાવવાની મંજૂરી આપી છે, જ્યાં દેવી ચામુંડાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પર્વતો પર સ્થિત તીર્થસ્થાનો સુધી પહોંચવા માટેનો આ ચોથો રોપ-વે પ્રોજેક્ટ છે. આ અંગે મંદિર પરિવારના વસંતગિરી બાપુએ જણાવ્યું કે, ચોટીલા ડુંગરે રોપ-વેનો પ્રોજેક્ટ આવકારદાયક છે. રોપ-વે બન્યા બાદ ચોટીલાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે. રોપ-વે બની જવાથી પગથિયા ચડવામાં મુશ્કેલી અનુભવતા વૃદ્ધ અને બાળકો પણ મા ચામુંડાના દર્શનનો લ્હાવો લઈ શકશે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આબુની કંપની આ રોપ-વેનું કામ કરવાની છે. સરકારે રોપ-વેના કામ બાબતે ગેજેટ પણ પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ૨૦૦૦૦ કરોડના ખર્ચે રોપ-વે તૈયાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને રાજકોટ મેગા સિટી વચ્ચે આવેલા ઝાલાવાડના પાંચાળ પંથકમા ચોટીલામાં માં ચામુંડાના જ્યાં બેસણાં છે ત્યાં રોપ-વે માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૩ વર્ષ પહેલા મહોર મારી હતી. જાે કે, બિન અનુભવી કંપનીને આ કામ મળતા પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર રાજસ્થાનના આબુ રોડ ઉપર આવેલી માર્શ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને ચોટીલામાં રોપ-વે બનાવવાનું કામ મળ્યું છે. પર્યાવરણને નુકસાન ન જાય તે રીતે રોપ-વેનું કામ કરવામાં આવશે. ચોટીલા રોપ-વેની કામગીરીને મંજૂરી મળતા નાના પાળિયાદ ગામના સરપંચ સહિતના ગ્રામજનોમાં તેમજ ભક્તોમાં આનંદના માહોલ જાેવા મળી રહ્યો છે. ચોટીલામાં રોપ-વેની મુસાફીનો ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. જે અનુસાર એક તરફના ૧૦૦ જ્યારે બંને તરફના ૧૩૦ રૂપિયા ચાર્જ થશે. આ ભાવ ૨ વર્ષ માટે અમલ રહેશે તેવું જાણવા મળ્યું છે. સાથે એવી પણ માહિતી મળી છે કે, ચોટીલામાં રોપ-વે કાર્યરત થયા બાદ તેમા ૮થી વધુ મુસાફરોને લઈ જઈ શકાશે નહીં.