પેસેન્જરોથી ભરેલું પ્લેન ઉડાવી રહેલા કેપ્ટનને ઊંઘ આવી ગઈ. 10 મિનિટ સુધી પ્લેન સાથે કોઈ સંપર્ક થયો ન હતો. જે બાદ અધિકારીઓને આતંકી હાઈજેકનો ડર હતો અને ફાઈટર જેટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ખાલી વાર્તચા નથી પણ ઈટલીમાં આવું સાચે બન્યું છે. પાયલોટ ઇટાલીની સ્ટેટ એરલાઇન્સમાં કામ કરતો હતો. ઇટાલિયન અખબાર રિપબ્લિકા અનુસાર, 30 એપ્રિલે ન્યૂયોર્કથી રોમ જતી વખતે ITA એરવેઝ AZ609 પેસેન્જર ફ્લાઇટના બંને પાઇલટ એરબસ 330ને કંટ્રોલ કરતી વખતે ઊંઘી ગયા હતા.
ટેલિગ્રાફના અહેવાલ મુજબ પ્લેનનો કો-પાઈલટ યોગ્ય પ્રક્રિયા મુજબ ‘નિયંત્રિત આરામ’ લઈ રહ્યો હતો, પરંતુ તે સમયે કેપ્ટને જાગૃત અને સુલભ રહેવું જોઈતું હતું. પરંતુ તે સમયે પ્લેન ઓટોપાયલટ પર હતું અને 10 મિનિટ સુધી કોઈ સંપર્ક થયો ન હતો. ફ્રાન્સમાં એન્ટ્રી કર્યા બાદ પ્લેને તેનું સ્થાન આપ્યું હતું. આ પછી તેણે એર ટ્રાફિક કંટ્રોલર્સને પોતાનું લોકેશન આપવાનું બંધ કરી દીધું. ઘણા પ્રયત્નો પછી પણ સફળ ન થતાં, ફ્રેન્ચ અધિકારીઓએ રોમન અધિકારીઓનો સંપર્ક કર્યો અને આતંકવાદી ઘટનાની ચેતવણી આપી. ફ્રાન્સના અધિકારીઓએ બે ફાઇટર જેટને સ્ટેન્ડબાય પર રાખવા માટે પણ કહ્યું હતું જેથી કરીને તેમને પેસેન્જર પ્લેનની નજીક મોકલી શકાય અને પાયલોટની સ્થિતિની સમીક્ષા કરી શકાય. આ દરમિયાન રોમના અધિકારીઓએ પણ પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
10 મિનિટના સતત પ્રયાસ બાદ આખરે પાઈલટે જવાબ આપ્યો. પછી તે સમય કરતાં 20 મિનિટ આગળ રોમમાં ઉતરવાનો હતો. તે જ સમયે, ITA એરવેઝની આંતરિક તપાસમાં, કેપ્ટન પર દોષારોપણ કર્યા પછી તેને બરતરફ કરવામાં આવ્યો હતો. જો કે કેપ્ટને ઉંઘવાની વાતને નકારી કાઢી છે. પરંતુ તેમણે રેડિયોનો જવાબ ન આપવાનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું. ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં એરલાઇનના પ્રવક્તા ડેવિડ ડીમિકોએ જણાવ્યું – પ્લેન ઓટોપાયલટ પર હતું, સામાન્ય ઝડપે ઉડી રહ્યું હતું. મુસાફરોની સલામતી સાથે ક્યારેય બાંધછોડ કરવામાં આવી નથી