રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલા પશુઓ માટે ઘાસચારાની સહાયની રકમ જાહેર કરી હતી પરંતુ તે રકમ આઠ દિન સુધીના ચૂકવતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલક હોય અને રજૂઆતો તેમજ બંધનું એલાન આપ્યા બાદ પણ આ સરકાર કુંભકરણની નિંદ્રામાંથી ન જાગતા ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ આખરે પશુઓ સરકારી કચેરીમાં છોડવાનો નિર્ણય લીધો હતો અને શુક્રવારે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાની જુદી જુદી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પશુઓ છોડવાની શરૂઆત કરતાં આ પશુઓને કચેરીઓમાં આવતા અટકાવવા માટે પોલીસે દોઢધામ કરી હતી. 5000 પશુઓને છોડી મુકાતા ડીસા-કંડલા હાઈવે ઉપર એક કલાક સુધી ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે પોલીસ પણ દોડતી થઈ હતી.
બનાસકાંઠા જિલ્લાની ડીસા કાંટ પાંજરાપોળ માલગઢ ગૌશાળા ટેટોડા ની રાજારામ ગૌશાળા લાખણી સેકરા થરાદ સહિત જિલ્લાની જુદી જુદી 122 ગૌશાળા અને પાંજરાપોળો માંથી શુક્રવારે સવારથી પશુઓને સરકારી કચેરીઓમાં છોડવાની શરૂઆત કરી હતી. જો કે આ પશુઓને શહેર તેમજ કચેરીઓમાં આવતા અટકાવવા માટે પોલીસે રોકવાના અનેક પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પણ સંચાલકો ન માનતા આખરે પોલીસે ડીસા કાંટ પાંજરાપોળના કિશોરભાઈ દવે હીનાબેન ઠક્કર પરેશભાઈ પંચાલ ટેટોડા ગૌશાળા રામ રતનજી મહારાજ સહિત જુદી જુદી ગૌશાળા ને પાંજરાપોળના 15 થી વધુ સંચાલકોની અટકાયત કરી હતી.
આ ઉપરાંત આંદોલનકારીઓએ ડીસાની દીપક હોટલ પાસે ડીસા કંડલા હાઇવે ઉપર માલગઢ ગામ પાસે અને ડીસા ધાનેરા હાઇવે ઉપર ટેટોડા ગામ પાસે પશુઓ છોડી હાઇવે બ્લોક કરતા એક કલાક સુધી અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી હતી.