Gujarat News: સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના વિશાળ જથ્થાને કારણે નર્મદા નદીમાં આવેલા પૂરથી પ્રભાવિત વડોદરા જિલ્લાના ૨૫ ગામોમાં રાઉન્ડ ધ ક્લોક ચાલી રહેલ રાહત અને બચાવની કામગીરીને કારણે નાગરિકોની મુશ્કેલી આસાન થઇ છે. નર્મદા નદીમાં પાણી છોડવાના સંદેશા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારથી કરાયેલી આગોતરી તૈયારીઓને પગલે જિલ્લામાં ઝીરો કેઝ્યુઆલિટી મેનેજમેન્ટ થયું છે. શનિવારે બપોરથી જ કલેક્ટર અતુલ ગોર દ્વારા એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની બે ટીમને સાબદી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિકોને સ્થળાંતર કરવાની સંભવિત જરૂરિયાત ઉભી થાય એવા સંજોગોમાં એસટી બસોને પણ સંબંધિત તાલુકાના બસ-સ્ટેન્ડમાં તૈયાર રાખવામાં આવી હતી.
નર્મદા નદીમાં પાણીનાં પ્રવાહને ધ્યાને રાખીને રાત્રીથી જ નદી કાંઠાના નીચાણવાળા ઘરોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. શનિવારના રાત્રીના ૧૦.૩૦ વાગ્યા સુધીમાં ૨૫૦ લોકોના એક જથ્થાને સલામત સ્થળે લઇ જવામાં આવ્યો હતો. પ્રાથિમક શાળાઓ કે આશ્રમોમાં આ લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો. નાગરિકોને ખસેડવાની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કલેક્ટર શ્રી અતુલ ગોર તથા પોલીસ અધિક્ષક રોહન આનંદે મોડી રાત સુધી વિવિધ ગામોની મુલાકાત લીધી હતી અને નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે સમજૂત કર્યા હતા. તેમની સાથે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા અને આ સંયુક્ત ટીમોએ આ ગામોના અસરગ્રસ્ત લોકોના પરિવારજન બનીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
એ દરમિયાન, રાહત બચાવની કામગીરીની વ્યાપક્તાને પરખીને વધુ અધિકારીઓની જરૂરિયાત જણાતા કલેક્ટરશ્રીની સૂચનાથી નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા વિવિધ કચેરીઓના ૩૫થી વધુ વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત સિટી અને રૂરલ પ્રાંત અધિકારી, મામલતદારો, નાયબ મામલતદારોને ડભોઇ તથા કરજણ પ્રાંતની મદદ માટે મૂકી દેવામાં આવ્યા હતા. આમ, સંકલિત પ્રયાસોને કારણે એક પણ જાનહાની અત્યાર સુધીમાં નોંધાઇ નથી. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરાએ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમમાં સતત રહીને સંકલનની કામગીરી સુપેરે નિભાવી હતી. મહેસુલ, પંચાયત, પોલીસ સહિતના તમામ સરકારી વિભાગોના સંયુક્ત પ્રચાસોથી રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.
ખાસ કરીને કરજણ તાલુકાના નાની કોરલ આખા ગામને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. રાહત અને બચાવની આ કામગીરીમાં ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલ પણ જોડાયા હતા અને તેમના પ્રયાસોના કારણે મોટી કરોલ અને ઓઝ ગામના ૭૦૦ જેટલા લોકોને પૂનિત આશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો છે. જ્યાં આ ગ્રામજનો માટે ભોજન સહિતની આનુષાંગિક વ્યવસ્થા કરવામાં આવી છે. કરજણ પ્રાંત કચેરી દ્વારા અહીં કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાહત અને બચાવની કામગીરીમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા પણ તુરંત કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૮ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. જેમાં સાયર ગામે ૧૦, દિવાબેટ ખાતે ૩, કરનાળી ખાતેથી ૨ અને અંબાલી ગામેથી ૧૩ વ્યક્તિઓને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૪૦૦થી વધુ લોકોને વિવિધ સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે.