એસટીની ભરતીમાં કથિત ભ્રષ્ટાચાર મામલે ભાજપના નેતા જશુ ભીલનો રૂપિયા લીધો હોવાની વાતચીતનો વિડીયો વાયરલ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે. જાે કે, ભાજપે શિસ્તભંગનું કારણ દર્શાવીને પાર્ટીમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સવારથી જ જશુ ભીલનો કથિત ભ્રષ્ટાચારનો વિડીયો સામે આવ્યા બાદ ભાજપે કાર્યવાહી કરતા પાર્ટીમાંથી બરતરફ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા સસ્પેન્શન લેટરમાં જણાવ્યા અનુસાર ‘ભાજપ પાર્ટીના પ્રાથમિક સદસ્ય જશુભાઈ ભીલ કે જે અનુસુચિત જનજાતિ મોરચાની જવાબદારી સંભાળી રહ્યા છે અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખની જવાબદારી સંભાળી ચૂક્યા છે તેમને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલના આદેશ અનુસાર શિસ્તભંગના પગલાં અન્વયે પક્ષમાંથી તાત્કાલિક અસરથી ૬ વર્ષ માટે બરતરફ કરવામાં આવે છે.’
મીડિયા રિપોર્ટ અનુસાર જશુ ભીલ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ભાજપના હોદ્દેદાર છે. જેતરમાં તેમનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ૨૦૨૦નો હોવાનો દાવો કરાયો છે. જેમાં તેઓ કંડક્ટરની ભરતીમાં કેટલાક યુવક પાસેથી રૂપિયા લીધા હોવાની વાત સ્વીકારે છે. તેઓ સ્વીકારે છે કે રૂપિયા લીધા હતા, પરંતુ કોરોનાના કારણે કામ થયું નથી. તેઓ એવું પણ કહી રહ્યા છે કે, એસ.ટી.નિગમની ઓફિસ ચાલુ થશે તો હું રૂપિયા પરત લઈ આવીશ.
ઉલ્લેખનીય છે કે, જશુ ભીલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. ફરિયાદી યુવકે આરોપ લગાવ્યો છે કે ૨૦૧૮માં થયેલી કંડકટરની ભરતી માટે તેણે ભાજપના હોદ્દેદાર જશુ ભીલને ૪૦ હજાર રૂપિયા આપ્યા હતા. બાદમાં ભરતીમાં ઓર્ડર ન મળતા જશુ ભીલ પાસે રૂપિયા પરત માગ્યાં હતા, પરંતુ જશુ ભીલ સીધો જવાબ આપતા નહોતા. જેથી આધાર પુરાવા માટે આ વિડીયો ઉતારવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
તો બીજી તરફ જશુ ભીલ પોતાના બચાવમાં કહી રહ્યા છે કે, સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે જૂનો હોઈ શકે છે. કારણ કે, એસટી નગર નિગમના ડિરેક્ટર તરીકે જુન-જુલાઈ ૨૦૧૭માં કાર્યકાળ પૂરો થઈ ગયો હતો.