રાજ્યભરમાં સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઇવે અનેક રસ્તાઓની બિસ્માર હાલતથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તેવામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ PM નરેન્દ્ર મોદીને કાર મારફત ભાવનગર-સોમનાથ હાઈવેથી સોમનાથ દર્શન માટેનું આમંત્રણ આપ્યુ છે. જે અંગેની લેખિત રજૂઆતમાં તેમને કહ્યું કે જન પ્રતિનિધિ તરીકે ભાવનગર-સોમનાથ હાઇવેની ખરાબ હાલત પર અનેક વખત જવાબદાર વિભાગમાં ફરિયાદ કરી છતાં કામગીરી કરવામાં આવી નથી જેને લઇને સ્થાનિક લોકોને સમસ્યાનો કોઈ પાર નથી.
ગીર સોમનાથ, જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, પ્રવાસન સ્થળ દીવ, સાસણ, તુલશીશ્યામ સહિત આસપાસમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. જેને લઈને દેશ-વિદેશમાંથી લોકો ગીરસોમનાથના આ તમામ સ્થળોની મુલાકાત લેતા હોય છે. પરંતુ અફસોસ આ પર્યટકો માત્ર રોડ રસ્તાઓને કારણે પરેશાન થાય છે. છેલ્લા ૫ વર્ષથી વધુ સમય વીતવા છતાં સોમનાથ-ભાવનગર હાઇવેનું નવીનીકરણ પૂર્ણ થયું નથી. વધુમાં રસ્તોઓ રીપેર થાય છે ત્યારે પણ ન કરવા ખાતર કરી અને સંતોષ મનાય છે.રોડ ઉપર ધૂળ અને માટી નાખી દેવાય છે. જે વરસાદ થતાં કિચડનું સામ્રાજ્ય ફેલાઈ છે.
હાલ આ માર્ગ પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જામ્યું છે. ઉનાથી વેરાવળ જવા માટે માત્ર ૮૦ કિલો મીટર અંતર થાય છે, જે સામાન્ય ફોર વ્હીલ માં બે સવા બે કલાક થાય.પરંતુ અહી ૪ થી ૫ કલાક નો સમય લાગે છે. સોમનાથથી ભાવનગર જતો નેશનલ હાઇવે એટલી હદે બિસમાર થયો છે ટ્રક, ફોર વ્હીલ કે પછી એમ્બ્યુલન્સ, એસટી હોઈ સોમનાથથી કોડીનાર જવા માટે માત્ર એકાદ કલાકનો રસ્તો હાલ અઢી કલાકથી વધુ સમય લે છે.
આથી માર્ગની ખખડધજ હાલતને લઈને સ્થાનિક લોકો અને સોમનાથ સહીતના યાત્રાધામોએ જતાં દર્શનાર્થીઑને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે લોકોની વેદનાથી ઁસ્ નરેન્દ્ર મોદી વાકેફ થાય તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.