જામનગરથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે બાળકો વધારેમાં વધારે બિમાર પડી રહ્યા છે. હાલત એવી થઈ ગઈ છે કે એક બેડમાં બે બે દર્દીને રાખવા પડી રહ્યા છે. જામનગરમાં આ પ્રમાણ પાછલાં ત્રણ વર્ષોની સરખામણીમાં 200 ટકાથી વધુ જોવા મળી રહ્યું છે. ઋતુમાં થયેલા આ ફેરફારની અસરના કારણે બાળકોમાં વાઈરસજન્ય રોગચાળાના પ્રમાણમાં પણ તોતિંગ વધારો થયો છે.
વાઈરસજન્ય રોગચાળાથી પોતાનાં બાળકોને દૂર રાખી શકાય તે માટે તબીબ દ્વારા વાલીઓને ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. બાળદર્દીઓની સંખ્યામાં વધારો થતાં જીજી હોસ્પિટલમાં વધારાના બેડ અને સ્ટાફની પણ વ્યવસ્થા કરવી પડી છે.
જામનગર જીજી હોસ્પિટલના બાળરોગ વિભાગના ડો. મૌલિક શાહે આ બિમારી વિશે વાત કરી હતી કે જીજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં 140 બેડની કેપેસિટી છે. પરંતુ, હાલ વાઈરસજન્ય રોગનું પ્રમાણ વધતા બાળદર્દીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. જીજી હોસ્પિટલમાં હાલ 290 જેટલા બાળદર્દીઓની હાલની તકે સારવાર ચાલી રહી છે. તબીબના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ઓરીની વેક્સિન આપવામાં આવે છે. તેમ છતાં હાલ 12 જેટલા ઓરીના દર્દીઓ સામે આવ્યા છે.
જ્યારે બાળ વિભાગના નિષ્ણાંતો આવ્યા ત્યારે સૌ પ્રથમ જોયું તો કેસબારી પર જ દર્દીઓની લાંબી કતાર જોવા મળી. ત્યારબાદ બાળરોગના વોર્ડની બહાર પણ બાળદર્દીઓના વાલીઓની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી. વોર્ડની અંદર તપાસ કરવામાં આવી તો એક ખાટલા પર બબ્બે બાળદર્દીઓને સારવાર અપાતી હોવાનું જોવા મળ્યું. જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ગંભીર દર્દીઓને પણ જામનગરમાં સારવાર માટે ખસેડવામાં આવતા હોય છે.