આજે ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 89 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે મતદારોની જો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા ચૂંટણી પંચે 182 વિધાનસભા બેઠક દીઠ એક યુવા મતદાન મથક તૈયાર કર્યું છે. જેમાં અધિકારી તરીકે યુવાઓને જ નીમવામાં આવ્યાં છે. રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ ચૂંટણી તંત્રની વ્યવસ્થાઓની તમામ જાણકારી આપી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુને વધુ યુવાનો મતદાનમાં રસ લેતા થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. યુવા મતદારો પણ ચૂંટણી સંચાલનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને લોકશાહીમાં યુવા મતદારોની વધુમાં વધુ ભાગીદારી થાય તે હેતુથી ગુજરાતમાં દરેક જિલ્લા દીઠ એક મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મતદાન મથકનો તમામ સ્ટાફ યુવા હશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 11,74,370 યુવાઓ પ્રથમ વખત પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશે. જ્યારે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી આ બાબતે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે પ્રથમ વખત તબક્કામાં 5,87,175 અને બીજા તબક્કામાં 5,87,195 યુવાઓ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે.
કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.