હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે માનવ જીવન અસ્તવ્યસ્ત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના નિર્દેશક સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું હતું કે એક જ પરિવારના આઠ સભ્યો સહિત ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. પાંચ લોકો ગુમ છે.
સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું કે વરસાદને કારણે સૌથી વધુ નુકસાન મંડી, કાંગડા અને ચંબા જિલ્લામાં જોવા મળ્યું છે. મંડીમાં મનાલી-ચંદીગઢ નેશનલ હાઈવે અને શોગીમાં શિમલા-ચંદીગઢ હાઈવે સહિત 743 રસ્તાઓ પર ટ્રાફિક અવરોધિત છે. માહિતી અનુસાર ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે એકલા મંડીમાં 13 લોકોના મોત થયા છે અને પાંચ લોકો લાપતા થયા છે. ગોહર વિકાસ બ્લોકના કશાન ગામમાં NDRF અને પોલીસ દ્વારા લગભગ ચાર કલાકની શોધખોળ બાદ એક જ પરિવારના આઠ સભ્યોના મૃતદેહ તેમના ઘરના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આપત્તિ પ્રબંધન નિદેશક સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું કે ચંબાના ચવારીના બાનેટ ગામમાં મકાન ધરાશાયી થવાથી ત્રણ લોકોના મોત થયા છે. અહીં શિમલાના થિયોગમાં એક કાર પથ્થર સાથે અથડાઈ, જેના કારણે બે લોકોના મોત થયા અને બે લોકો ઘાયલ થયા.
કાંગડામાં એક મકાન ધરાશાયી થતાં નવ વર્ષના બાળકનું મોત થયું હતું. કાંગડામાં વરસાદને કારણે, પંજાબ અને હિમાચલને જોડતો ચક્કી રેલ્વે પુલ પણ શનિવારે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે પઠાણકોટ-જોગીન્દરનગર રેલ સુવિધા પણ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. નૂરપુરના કંડવાલ પાસે અંગ્રેજોના સમયમાં બનેલો આ પુલ પઠાણકોટ-જોગીન્દરનગર રેલ્વે લાઇનને પંજાબ સાથે જોડતો એકમાત્ર પુલ હતો.
હમીરપુરમાં પૂરમાં ફસાયેલા 30 લોકોને બચાવી લેવાયા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ કાર્ય ચલાવી રહ્યું છે.
અહીં, હિમાચલ પ્રદેશ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયરે કહ્યું છે કે ભારે વરસાદને કારણે 743 રસ્તાઓ પર ટ્રાફિક અવરોધિત છે. આજે 407 રસ્તાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે અને રવિવાર સુધીમાં 268 રસ્તાઓ સાફ થઈ જશે.