એન્ટી ડ્રગ્સ એજન્સી એનસીબીની દિલ્હી યુનિટે શાહીન બાગમાં મોટી કાર્યવાહી કરતા ૫૦ કિલો હેરોઇન અને ૪૭ કિલો શંકાસ્પદ નાર્કો જપ્ત કર્યું છે. આ દરમિયાન ૩૦ લાખ રોકડા અને નોટ ગણવાનું મશીન પણ એક ઘરમાંથી મળી આવ્યું છે. શાહીન બાગમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સને ટ્રાવેલ બેગમાં છુપાવવામાં આવ્યું હતું. એનસીબીના ડીડીજી સંજય સિંહે કહ્યુ કે શાહીન બાગ સ્થિત આવાસીય પરિસરથી બુધવારે ડ્રગ્સ મળી આવ્યું છે.
એનસીબી પ્રમાણે અફઘાનિસ્તાનથી હેરોઇન આવ્યું હતું, તો રોકડ રકમને હવાલા દ્વારા લાવવામાં આવી હતી. ડ્રગ્સ સમુદ્ર માર્ગ અને બોર્ડરના માર્ગે લાવવામાં આવ્યું હતું. ફ્લિપકાર્ટના પેકિંગમાં હેરોઈનને પેક કરી લાવવામાં આવતું હતું. સૂત્રો પ્રમાણે આ હેરોઇન ઝાડની ડાળીમાં કેવિટી બનાવી તેમાં છુપાવી સમુદ્ર અને પછી પાકિસ્તાન બોર્ડરથી ભારતમાં લાવવામાં આવ્યું હતું.
આ હેરોઇનની ક્વોલિટી હાલમાં અટારી બોર્ડરથી જપ્સ ડ્રગ્સ જેવી છે. હવે એનસીબી અલગ-અલગ શહેરોમાં દરોડા પાડી આ આંતરરાષ્ટ્રીય ગેંસના સભ્યોની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. એનસીબીની પૂછપરછ બાદ ખુલાસો થયો છે કે ઈન્ડો-અફઘાન સિન્ડિકેટનો તેની પાછળ હાથ છે. ડ્રગ્સ પંજાબ, યુપી, દિલ્હી અને હરિયાણામાં સપ્લાય કરવામાં આવતું હતું. ખુલાસા બાદ ત્યાં પણ એનસીબી તરફથી દરોડા પાડવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટની પણ લિંક મળી છે.