પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં દુર્ગા પૂજાના વિસર્જન દરમિયાન નદીમાં પાણીનું સ્તર અચાનક વધવાને કારણે સાત લોકોના મોત થયા છે. ઘટના બુધવારે સાંજે જલપાઈગુડી જિલ્લાના માલબજાર વિસ્તારમાં માલ નદીની છે. દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલી આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કહેવાય છે કે બુધવારે સાંજે દુર્ગા મૂર્તિનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં લોકો માલ નદી પર પહોંચ્યા હતા. અચાનક પાણીનું સ્તર વધવા લાગ્યું.
આવી સ્થિતિમાં લોકો ત્યાં અટવાઈ ગયા અને જોત જોતામાં સાત લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા જ્યારે લગભગ 40 લોકો લાપતા હોવાનું કહેવાય છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વીડિયોમાં ઘણા લોકો મૂર્તિ વિસર્જન માટે નદીમાં ઉતરતા જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અચાનક નદીનું જળસ્તર વધી ગયું, મોજાં એટલા ઝડપથી ઉછળ્યાં કે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા અને વહેવા લાગ્યા. ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
માલ નદીમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૂર્તિ વિસર્જન દરમિયાન અકસ્માતમાં ભક્તોના મોત થયા હોય તેવી આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે.
આ દુર્ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસની કહેવાય છે જ્યારે મોટી સંખ્યામાં લોકો દુર્ગા મૂર્તિનું વિસર્જન કરવા માલ નદીમાં ગયા હતા. એ વખતે પાણીનું સ્તર ઊંચું નહોતું એટલે કડકાઈ નહોતી. એકાએક પાણીનું સ્તર વધી જતાં લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.