અમેરિકન ડોલર જેમ જેમ મજબૂત થયો જાય છે તેમ તેમ સોનાનો ભાવ ઘટી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં આજે સોનાનો ભાવ નવ મહિનાના તળિયે પહોંચ્યો હતો જ્યારે ડોલર ૨૦ વર્ષની હાઈ સપાટીની નજીક હતો. પીળી ધાતુની સાથે સાથે આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. આજે ગ્લોબલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડનો ભાવ ૧૭૩૪ ડોલ પ્રતિ ઔંસ ચાલતો હતો. આ અગાઉ તે ૧૭૨૨ ડોલર સુધી જઈ આવ્યો હતો.
યુરોપમાં એનર્જીની કટોકટી પેદા થઈ શકે છે અને તેના કારણો યુરોપ મંદીના સકંજામાં આવી જશે તેવી બીક છે. ડોલરનો ભાવ વધ્યો હોવાથી ગોલ્ડનો સંગ્રહ કરવો મોંઘો પડે છે અને તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થાય છે. ભારતમાં પણ સોનું ગયા અઠવાડિયે હાઈ સપાટીએ પહોંચ્યા પછી તેમાં તીવ્ર ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે સરકારે ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી તેના કારણે સોનાનો ભાવ વધ્યો હતો. એમસીએક્સ પર ગોલ્ડનો ભાવ ૫૦,૬૦૦ના સ્તરે હતો. તેના ઉપર ત્રણ ટકા જીએસટી લાગુ થાય છે.
ગોલ્ડના ટ્રેડર્સે હવે અમેરિકામાં ફુગાવાના આંકડા પર નજર રાખવી પડશે. તેના પરથી નક્કી થશે કે યુએસ ફેડ વ્યાજના દરમાં કેટલો ફેરફાર કરે છે. વ્યાજના દર વધશે તો બુલિયનના હોલ્ડિંગનો ખર્ચ વધી જાય છે. અન્ય મેટલની વાત કરીએ તો ચાંદીનો ભાવ ૦.૩ ટકા વધીને ૧૯.૧૪ ડોલર પ્રતિ ઔંસ થયો હતો જ્યારે પ્લેટિનમનો ભાવ ૦.૭ ટકા ઘટીને ૮૬૩ ડોલર થયો હતો. તાજેતરમાં અમેરિકામાં જાેબ ડેટા મજબૂત આવ્યો છે જેના કારણે એવું માનવામાં આવે છે કે યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવશે. અન્ય કોમોડિટીમાં પણ નબળાઈ છે અને ઈટીએફમાં આઉટફ્લો વધી ગયો છે તેના કારણે ગોલ્ડના ભાવ પર દબાણ વધ્યું છે.
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સોનાને અત્યારે ૧૭૨૦-૧૭૦૮ ડોલર પર સપોર્ટ છે જ્યારે ડોલર૧૭૪૦-૧૭૫૧ પર તેમાં અવરોધ જાેવા મળશે. તેવી જ રીતે ચાંદીને ડોલર૧૮.૬૫-૧૮.૫૦ પર સપોર્ટ છે અને ડોલર૧૯.૨૦-૧૯.૪૨ પર તેમાં રેઝિસ્ટન્સ જાેવા મળશે. રૂપિયાના ટર્મમાં જાેવામાં આવે તો તેને ૫૦,૩૫૦–૫૦,૧૨૦ પર સપોર્ટ છે અને ૫૦,૮૬૦–૫૧,૦૪૦ પર તેમાં અવરોધ છે. ચાંદીના ભાવને ૫૬,૩૫૦-૫૫,૭૫૦ની રેન્જમાં સપોર્ટ છે અને ૫૭,૪૮૦–૫૭,૮૧૦ પર તેમાં રેઝિસ્ટન્સ જાેવા મળશે. એમસીએક્સ પર ચાંદીનો ભાવ ૦.૩૫ ટકા ઘટીને પ્રતિ કિલો રૂ. ૫૬,૭૩૦ પર ચાલતો હતો.