બિહાર પોલીસના હાથે એવો લુખ્ખો બદમાશ ઝડપાયો કે જેણે એક-બે નહીં પરંતુ 12 યુવતીઓને પોતાના પ્રેમમાં ફસાવી તેમની સાથે લગ્ન કર્યા છે. દર વખતે તે બેચલર હોવાનો ઢોંગ કરીને ભોળી છોકરીઓને ફસાવતો હતો. આખરે તે સગીર છોકરીના અપહરણના ગુનામાં પોલીસની જાળમાં ફસાઈ ગયો.
આ ઠગની ધરપકડ કરવામાં પૂર્ણિયા પોલીસને સફળતા મળી હતી. આરોપીની ઓળખ શમશાદ ઉર્ફે મનોવર તરીકે થઈ હતી. તે છ વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શમશાદ કોચાધામન પોલીસ સ્ટેશન વિસ્તારના અનારકલી ગામનો રહેવાસી છે. પૂર્ણિયા પોલીસે તેની સામે ડિસેમ્બર 2015માં અંગરહ પોલીસ સ્ટેશન વિસ્તારના બિજવર ગામમાં એક સગીરાનું અપહરણ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. અપહરણના એક સપ્તાહ બાદ પોલીસે કિશનગંજમાંથી અપહરણ કરાયેલી સગીર છોકરીને શોધી કાઢી હતી, પરંતુ આરોપી શમશાદ ફરાર થઈ ગયો હતો.
છેલ્લા છ વર્ષથી શમશાદને પકડવાના સતત પ્રયાસો ચાલી રહ્યા હતા. સગીર બાળકીના પિતાએ તેની સામે નામ નોંધાવ્યું હતું. પોલીસે તેને બહાદુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કોઈડાંગી ગામમાંથી પકડી લીધો છે. તેની પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપીએ એક ડઝન લગ્નો કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આરોપી શમશાદની સાતેય પત્નીઓએ પોલીસને જણાવ્યું છે કે તેણે તેમને પ્રેમ જાળમાં ફસાવી અને પછી લગ્ન કર્યા. આ છોકરીઓમાંથી કોઈને ખબર નહોતી કે તે પહેલેથી જ પરિણીત છે. તેમના નિવેદન બાદ શમશાદ વિરુદ્ધ અપહરણ, છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પૂછપરછ બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.