ઓનલાઈન લોટરીમાં 3.55 લાખ રૂપિયા જીત્યા બાદ 24 વર્ષીય ચા વેચનારનો આનંદ ટૂંક સમયમાં જ નિરાશામાં ફેરવાઈ ગયો. બુધવારે મોડી રાત્રે તેણે અમેઠીમાં આત્મહત્યા કરી હતી. આપઘાતનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. ત્રણ સ્થાનિક લોકોએ તેના દસ્તાવેજો જપ્ત કરી લીધા હતા અને જો તે 1 લાખ રૂપિયા નહીં આપે તો તેને લોન ફ્રોડ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
મૃતક રાકેશની માતા શાંતિ દેવીએ ગુરુવારે અનુરાગ જયસ્વાલ, તુફાન સિંહ, વિશાલ સિંહ અને હંસરાજ મૌર્ય વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા અને ગુનાહિત ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. અમેઠીના એસપી અનૂપ સિંહે જણાવ્યું હતું કે, “આરોપીઓએ રાકેશનું આધાર, પાન કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધો અને તેને 1.6 લાખ રૂપિયાના TDS પરત આપવાનું વચન આપ્યું. જ્યારે તેણે તેનો સામાન પાછો માંગ્યો, ત્યારે તેઓએ તેને માર માર્યો.
તેઓએ તેના ઓળખ કાર્ડનો દુરુપયોગ કરીને તેના નામે મોટી લોન મેળવવાની ધમકી આપી હતી. રાકેશ નામના અપરિણીત વ્યક્તિએ પાંચ વર્ષ પહેલા તેના પિતા અને થોડા મહિના પહેલા તેના ભાઈને ગુમાવ્યા હતા. સ્થાનિક લોકોની ધમકીઓને કારણે તેણે તણાવમાં આવીને પોતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.