ઉત્તરાખંડના પ્રખ્યાત અંકિતા ભંડારી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. રિસોર્ટની પાછળ આવેલી પુલકિતની ફેક્ટરીમાં કામ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે રિસોર્ટના એક સ્ટાફે તેને વીડિયો બતાવ્યો હતો જેમાં અંકિતા પર મારપીટ કરવામાં આવી હતી. અંકિતા રડી રહી હતી. જે બાદ તેને શંકા હતી કે અંકિતાની હત્યા કરવામાં આવી છે અથવા તો તેને કાઢી મુકવામાં આવી છે. તેણે આ વાતની જાણકારી ગ્રામજનોને આપી.
ફેક્ટરીમાં કામ કરતા કર્મચારી સંજય કહે છે કે હું હાલમાં મજૂર છું. મેં અગાઉ રિસોર્ટમાં કામ કર્યું છે. પુલકિત કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતો હતો. તેણે દિલ્હીના એક કર્મચારીને માર માર્યો હતો અને તેને ભગાડી મૂક્યો હતો. જ્યારે પગાર માંગવામા આવે ત્યારે તે મારતો હતો. આ પહેલા અંકિતા ભંડારી હત્યા કેસમાં ઉત્તરાખંડ પોલીસે રચેલી SITએ શુક્રવારે પટવારી વૈભવ પ્રતાપની લાંબી પૂછપરછ કરી હતી. આ અગાઉ મુખ્ય પ્રધાનના આદેશ પર, ગંગા ભોગપુરના પટવારી વૈભવને અંકિતા કેસમાં નિષ્ક્રિય હોવા બદલ વહીવટીતંત્ર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ કેસમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય અને તેના બે મિત્રો અંકિત અને સૌરભને SIT રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અંકિતા હત્યા કેસમાં તપાસ દરમિયાન એવો ઘટસ્ફોટ થયો હતો કે અંકિતાની હત્યા થઈ તે દિવસે સવારે મુખ્ય આરોપી પુલકિત આર્ય પટવારી વૈભવ પ્રતાપને મળ્યો હતો. શુક્રવારે એવી અફવા પણ ફેલાઈ હતી કે વૈભવની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ માહિતી ખોટી નીકળી.
18 સપ્ટેમ્બરના રોજ અંકિતા, પુલકિત, સૌરભ અને અંકિત સાથે રાત્રે લગભગ 8 વાગે રિસોર્ટમાંથી નીકળી ગયા હતા. 8:30 વાગ્યે ચારેય ચિલ્લા બેરેજથી બેરેજ બેરીયર ઓળંગી ગયા હતા. 9 વાગે બેરેજ પરથી પરત ફરતી વખતે માત્ર ત્રણ જ લોકો બેરિયર પર દેખાયા હતા. બીજી તરફ પટવારી વૈભવ પ્રતાપ હત્યા કેસમાં બેદરકારી દાખવવાના અને રજા પર જવાના આક્ષેપો વચ્ચે સામે આવ્યા છે.
વૈભવ કહે છે કે મેં મારું કામ બરાબર કર્યું છે. 24 કલાક પહેલા એફઆઈઆર લખી શકાતી નથી. પટવારી વૈભવ પ્રતાપે જણાવ્યું હતું કે મેં પહેલા અંકિતાના પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી. હું કોઈપણ પૂછપરછ માટે તૈયાર છું. મને કહો કે ક્યાં આવવું છે. મારે પુલકિત સાથે કોઈ લેવાદેવા નથી.