દેશના બે દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ફરી એકવાર આમને-સામને છે. બંને ઉદ્યોગપતિઓ દેવાથી ડૂબેલી લેન્કો અમરકંટક પાવર ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે સરકારી માલિકીની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC) એ પણ REC લિમિટેડ સાથે આ કંપનીને ખરીદવા માટે બિડ કરી છે. જોકે, એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ પાવર પ્રોજેક્ટ ખરીદવામાં સૌથી આગળ છે.
અહેવાલ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લેન્કો અમરકંટક પાવરને ખરીદવા માટે રૂ. 1,960 કરોડની રોકડ અપફ્રન્ટ ઓફર કરી છે. જો રિલાયન્સ બિડ જીતવામાં સફળ થાય છે, તો તે પ્રથમ વખત આ કંપની દ્વારા કોલસા આધારિત વીજ ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રવેશ કરશે. અમરકંટક પાવર કોલસા આધારિત પાવર ઉત્પાદન પ્લાન્ટ છે. જો અમરકંટક પાવરના ધિરાણકર્તાઓ રિલાયન્સની ઓફર સ્વીકારે છે, તો IBC કોડ હેઠળ જૂથની આ ત્રીજી મોટી ખરીદી હશે.
આ અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિલાયન્સ ઈન્ફ્રાટેલ અને ટેક્સટાઈલ કંપની આલોક ઈન્ડસ્ટ્રીઝને આઈબીસી કોડ હેઠળ ખરીદી છે. પરંતુ મુકેશ અંબાણી લેન્કો અમરકંટક પાવર ખરીદવા માટે ગૌતમ અદાણી સાથે સ્પર્ધા કરી રહ્યા છે. બંને ઉદ્યોગપતિઓની આગેવાની હેઠળના જૂથો પાવર સેક્ટરમાં ઝડપથી તેમના વ્યવસાયનું વિસ્તરણ કરી રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર અદાણી ગ્રુપની કંપની અદાણી પાવરે લેન્કો અમરકંટક પાવરને ખરીદવા માટે રૂ. 1,800 કરોડની બિડ કરી છે. આ રકમ બોન્ડના સ્વરૂપમાં છે, જે આઠ ટકાના વ્યાજ દર સાથે પાંચ વર્ષમાં ચૂકવવામાં આવશે. તે જ સમયે પાવર ફાઇનાન્સ-આરઇસી કન્સોર્ટિયમે રૂ. 3,400 કરોડની ઓફર કરી છે. આ રકમ 20 વર્ષમાં ચૂકવવાનો પ્રસ્તાવ છે. લેન્કો અમરકંટક પાવરના રિઝોલ્યુશન પ્રોફેશનલ (RP) પર કુલ 17 બેંકોનું રૂ. 14,632 કરોડનું દેવું છે. રિઝોલ્યુશન પ્રોફેશનલે આ રકમ સ્વીકારી છે.
લેન્કો અમરકંટક પાવર છત્તીસગઢમાં કોરબા-ચંપા રાજ્ય ધોરીમાર્ગ પર થર્મલ પાવર પ્રોજેક્ટનું સંચાલન કરે છે. તાજેતરમાં અદાણી અદાણી પાવરે દેવાથી ડૂબેલી ડીબી પાવર લિમિટેડને ખરીદવાની જાહેરાત કરી હતી. ડીબી પાવર છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં 600 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટના બે યુનિટ ધરાવે છે.
ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી અગાઉ પણ ટેલિકોમ અને બાયોગેસ સેક્ટરમાં સામસામે રહી ચૂક્યા છે. હવે પાવર સેક્ટરમાં પણ સ્પર્ધા જોવા મળી રહી છે. વર્ષ 2022 અદાણી માટે શાનદાર સાબિત થયું છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં જે ઝડપે વધારો થયો છે, અન્ય કોઈ અબજોપતિ તેમની નજીક પણ ટકી શકે તેમ નથી. આ વર્ષે તેની નેટવર્થ $60 બિલિયનથી વધુ વધી છે, જે બાકીના કરતાં ઓછામાં ઓછી 5 ગણી વધારે છે.