Bihar Politics News: નીતિશ કુમારે બિહારના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રવિવારે પટનામાં યોજાયેલી JDU વિધાયક દળની બેઠકમાં પાર્ટીના ધારાસભ્યોએ નીતિશ કુમારને કોઈપણ નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા હતા, ત્યારબાદ નીતિશ કુમારે રાજીનામાને લઈને આ નિર્ણય લીધો હતો. નીતીશ કુમારે રાજભવન જઈને પક્ષની વિધાયક દળની બેઠક બાદ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. મહાગઠબંધન સરકારના રાજીનામા બાદ બિહારમાં નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે.
નીતીશ કુમાર લગભગ 2 વર્ષ પછી ફરી એકવાર તેમના જૂના ઘર એટલે કે NDAમાં જઈ રહ્યા છે અને ભાજપ સાથે સરકાર બનાવી રહ્યા છે. નીતીશ કુમારે ઓગસ્ટ 2022માં મહાગઠબંધન સરકારમાં સીએમ તરીકે શપથ લીધા હતા.મળતી માહિતી મુજબ આ રાજીનામા બાદ નીતિશ કુમાર ફરી એક બેઠક કરશે. આ બેઠકમાં જ નવી સરકાર બનાવવાના તમામ પ્રયાસો પૂર્ણ કરવામાં આવશે. રાજભવન ખાતે રાજીનામું સુપરત કર્યા બાદ નીતિશ કુમાર આજે સાંજે ફરી એકવાર બિહારના સીએમ પદ સંભાળશે, પરંતુ આ વખતે તેઓ એનડીએ સરકારમાં મુખ્યમંત્રી બનશે.
મળતી માહિતી મુજબ, આ શપથ ગ્રહણ સમારોહ પટનાના ગવર્નર હાઉસમાં સાંજે 4 વાગે યોજવામાં આવી શકે છે. નીતીશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં ભાજપના ક્વોટામાંથી બે ડેપ્યુટી સીએમ બનાવવાના સમાચાર છે. જો નીતિશ કુમાર આ વખતે સીએમ બનશે તો તેઓ 9મી વખત આ પદ માટે શપથ લેશે.