એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી બાદ કોલકાતા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર બંગાળ પોલીસે બિઝનેસમેન આમિર ખાનની ધરપકડ કરી છે. તાજેતરમાં, EDએ બે અઠવાડિયા પહેલા ઉદ્યોગપતિ આમિર ખાનના ઘરેથી 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી હતી. મોબાઈલ એપ ફ્રોડના મામલામાં કોલકાતા પોલીસે એક બેંકની ફરિયાદના આધારે વર્ષ 2021માં બિઝનેસમેન આમિર ખાન વિરુદ્ધ FIR નોંધી હતી.
આ કેસમાં કોલકાતા પોલીસે યુપીના ગાઝિયાબાદથી વેપારીની ધરપકડ કરી છે. ED દ્વારા કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડી આ કેસમાં આરોપી આમિર ખાનની શોધમાં હતી. પરંતુ દરોડા દરમિયાન ED મુખ્ય આરોપી અમીરને શોધી શકી ન હતી. EDના અધિકારીઓએ નોટો ગણવા માટે 8 મશીન લગાવ્યા હતા. આ સાથે રોકડની ચોક્કસ કિંમત જાણવા માટે બેંક કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા.
મોડી સાંજે એક ટ્રક સ્ટીલની વિશાળ ટાંકીઓ લઈને દરોડાના સ્થળે પહોંચી હતી જેથી જપ્ત કરાયેલી રોકડ બેંકમાં જમા કરાવવા લઈ શકાય. CRPFના જવાનો તપાસ એજન્સીની ટીમોને ગાર્ડન રીચ, પાર્ક સ્ટ્રીટ અને મોમીનપુર લઈ ગયા હતા. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગેમિંગ એપ ‘E-Nugges’ના પ્રમોટર્સ આમિર ખાન અને અન્ય લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે ટીમે 6 સ્થળોએ સર્ચ કર્યું હતું.