રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા ત્યાંના લોકોમાં ભયનો માહોલ છે. દરેક કોઈ પરિવાર તેમજ પોતાનો જીવ બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. યુક્રેનની રાજધાની કીવમાં પણ રશિયાના સૈનિકો પહોંચી ગયા છે અને ત્યાંના લોકો માટે ઘરમાં રહેવુ જરાય સુરક્ષિત નથી. તેથી, જ તેઓ બંકરોમાં છુપાઈ રહ્યા છે. આ વચ્ચે કીવમાં રહેલી એક ભારતીય રેસ્ટોરન્ટે પણ કેટલાક લોકોને પોતાને ત્યાં આશ્રય આપ્યો છે. ગુરુવારે રશિયાએ હુમલો કર્યો ત્યારથી ભારતીય રેસ્ટોરન્ટના એક માલિકે કીવમાં તેમની રેસ્ટોરન્ટમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુક્રેનના નાગરિકો સહિત લગભગ ૭૦ લોકોને આશરો આપ્યો છે.
જેમ-જેમ તેમની આસપાસ બોમ્બ બ્લાસ્ટ થવા લાગ્યા, લોકો તેમના સામાન સાથે આવેલી સાથિયા રેસ્ટોરન્ટમાં ઉમટી પડ્યા. મારી રેસ્ટોરન્ટમાં તેઓ સુરક્ષિત રહેશે તેવી આશા સાથે યુક્રેનના ઘણા નાગરિક આવ્યા હતા. આ રેસ્ટોરન્ટ હવે બંકર સમાન થઈ ગઈ છે કારણ કે તે ભોંયરામાં છે. અમે દરેકને જમવાનું પણ આપી રહ્યા છીએ’, તેમ રેસ્ટોરન્ટના માલિક મનિષ દવેએ જણાવ્યું હતું. હુમલા પહેલા, સાથિયા રેસ્ટોરન્ટ ભારતીય વિદ્યાર્થીઓમાં ઘર જેવું જમવાનું મળતુ હોવાથી પોપ્યલર હતી.
કીવમાં સ્મ્મ્જીનો અભ્યાસ કરી રહેલા ત્રીજા વર્ષના વિદ્યાર્થી શિવમ કટોચે કહ્યું હતું કે ‘હું મારી હોસ્ટેલમાં રહેતો હતો પરંતુ તે વિસ્તાર એર સ્ટ્રાઈકથી કેટલાક સમય સુધી સુરક્ષિત રહેશે તેની મને ખાતરી નહોતી. હું અવારનવાર ભારતીય ફૂડ માટે અહી આવતો હતો, પરંતુ ગુરુવારે જ્યારે મને મનીષ દવે તરફથી ફોન આવ્યો હું તરત જ સુરક્ષિત રહેવા માટે રેસ્ટોરન્ટમાં જતો રહ્યો. ગુરુવારે, રેસ્ટોરન્ટે આશરો લેનારા લોકોને ચિકન બિરયાની પીરસી હતી. પરંતુ રહેલા ફૂડના સ્ટોકના કારણે ચિંતા વધી છે.
‘અમે અમારી પાસે રાશનનો વધેલો સ્ટોક રાખીએ છીએ. અમારી પાસે ૪-૫ દિવસ ચાલે એટલા ચોખા અને લોટ છે, પરંતુ અમારે શાકભાજી તેમજ અન્ય વસ્તુ ખરીદવાની જરૂર છે. રાતના ૧૦ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ છે’, તેમ દવેએ જમાવ્યું હતું. શુક્રવારે જ્યારે માર્કેટ થોડા સમય માટે ખુલ્યું ત્યારે રેસ્ટોરન્ટમાં શાકભાજી, દૂધ અને ચોખાનો સ્ટોક લાવી દેવાયો હતો. ‘અહીં ઘણી પ્રેગ્નેન્ટ મહિલાઓ અને બાળકો છે, જેમને દૂધની જરૂર છે’, તેમ દવેએ ઉમેર્યું હતું.