ઘણા વિવાદોમાં ફસાયેલી આસામ પોલીસની એક મહિલા સબ ઇન્સ્પેક્ટરનું મંગળવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, નાગાંવ જિલ્લાના કાલિયાબોર સબ-ડિવિઝનના જખાલાબંધા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સરુભુગિયા ગામમાં મહિલા પોલીસ અધિકારીની કાર એક કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત સમયે તે તેની ખાનગી કારમાં હતી અને તેણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો ન હતો.
જુનોમણી રાભા, મહિલા પોલીસ જેણે માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, તે ‘લેડી સિંઘમ’ અથવા ‘દબંગ કોપ’ તરીકે જાણીતી હતી. તેણી મોરીકોલોંગ પોલીસ ચોકીનો હવાલો સંભાળતી હતી અને ગુનેગારો સામે કડક પગલાં લેતી હતી. જાખાલબંધા પોલીસ સ્ટેશનના પ્રભારી પવન કલિતાએ જણાવ્યું હતું કે, “મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યે અકસ્માતની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ પેટ્રોલિંગ ટીમ સ્થળ પર પહોંચી અને તેને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.”
તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશથી આવી રહેલી કન્ટેનર ટ્રકને પોલીસે જપ્ત કરી લીધી છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. નાગાંવના પોલીસ અધિક્ષક લીના ડોલે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જો કે, મહિલા પોલીસ અધિકારી કોઈપણ સુરક્ષા વગર અને સાદા કપડામાં એકલી પોતાની ખાનગી કારમાં ઉપરી આસામ તરફ કેમ જઈ રહી હતી તે અંગે પોલીસ પાસે કોઈ માહિતી નથી. તે જ સમયે, તેના પરિવારને પણ આ પ્રવાસ વિશે કોઈ માહિતી નથી.
ગયા વર્ષે જૂનમાં, તેણીને તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને માજુલી જિલ્લાની અદાલત દ્વારા તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી, ત્યારબાદ તેની સેવા સસ્પેન્ડ કરવામાં આવી હતી. બાદમાં તેણીનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું અને તેણી ફરીથી પોલીસ સેવામાં પાછી આવી હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં બિહપુરિયા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય અમિયા કુમાર ભુઈંયા સાથેની તેમની ટેલિફોનિક વાતચીત લીક થયા બાદ તે પણ વિવાદમાં આવી હતી.