બર્મિંઘમમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં વધુ એક ભારતીય ખેલાડીએ બાઝી મારી છે. અવિનાશ સાબલેએ કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ૩૦૦૦ મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અવિનાશે ૮ઃ૧૧.૨૦નો સમય લઈને આ મેડલ જીત્યો. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના વતની અવિનાશે વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ તેમજ રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.
બર્મિંધમમાં રમાઇ રહેલી આ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ ચોથો મેડલ છે. આ પહેલા પ્રિયંકા ગોસ્વામી (૧૦૦૦૦ મીટર રેસ વોક, સિલ્વર), મુરલી શ્રીશંકર (લોંગ જમ્પમાં સિલ્વર) અને તેજસ્વિન શંકર (હાઇ જંપમાં બ્રોન્ઝ) કોમનવેલ્થ ગેમ્સની ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં મેડલ જીતી ચૂક્યા છે. અવિનાશ ભારતીય સેનામાં ૫ મેહર રેજિમેન્ટનો હિસ્સો રહી ચૂક્યો છે. તે સિયાચીન, રાજસ્થાન અને સિક્કિમમાં પોસ્ટિંગ કરી ચૂક્યાં છે.