બજરંગ દળના એ ત્રિશૂળની વાત… જેની શરૂઆત સુરેન્દ્રનગરમાં થઇ અને પછી દેશભરમાં ત્રિશૂળ પહોંચ્યા!

Desk Editor
By Desk Editor
Share this Article

History News: 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. શ્રી રામ મંદિર માટે અનેક લડાઇઓ લડવામાં આવી જેમાં અનેક બલિદાનો પણ થયા છે. ત્યારે એ સમય સાથે જોડાયેલી એક અજાણી વાત તમારી સામે લાવ્યા છીએ. આ વાત થોડા વર્ષો પહેલાની છે. વર્ષ 1984માં બજરંગ દળની સ્થાપના પછી બજરંગદળના યુવાનો આંદોલનમાં જોડાવા લાઇનમાં લાગ્યા હતા.

બજરંગ દળમાં જોડાવા માટે યુવાનોની હોડ

એમાં પણ રામ મંદિરની લડાઇને લઇને ‘સોગંધ રામ કી ખાતે હૈ હમ મંદિર વહી બનાયેંગે’, ‘રામલલ્લા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે’, ‘અયોધ્યાના ધામમાં , ઈંટ અમારા ગામની…’, ‘હિન્દુ રક્તના ટીપે ટીપે, મંદિર બનશે ઇંટે ઇંટે’ આવા અનેક સૂત્રો જન માનસ પર ખૂબ જ ઉત્સાહ ભર્યા સાબિત થતા હતા. જ્યારે1984માં બજરંગ દળની સ્થાપના થઈ ત્યારે બજરંગ દળમાં ભરતી થવા માટે યુવાનોએ ઉભરાયા હતા. ત્યારે સુરેન્દ્રનગરના શીર્ષસ્થ કાર્યકર્તાઓને વિચાર આવ્યો કે, આ યુવાનો બજરંગ દળમાં ભરતી થઈ રહ્યા છે અને રાષ્ટ્રકાર્યમા જોડાઈ રહ્યા છે તો શૌર્યના પ્રતિક સમાન કંઈક પ્રતિક ચિન્હ એવું ત્રિશૂળ આપવું જોઈએ. એમાં પણ વળી આ ત્રિશૂળ સરકારના કાયદા મુજબ હોવું જોઈએ. આ પ્રતીકને ધારણ કરવાથી યુવાનો કોઈ કાયદાનો ભંગ ન કરે તે પણ જરૂરી હતું.

એક કાર્યકર્તાને ત્રિશૂળનો વિચાર આવ્યો

વર્ષ 1988થી 1994 સુધીની એક વાત જણાવીએ તો ભાવનગર વિભાગ એટલે કે ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં તે સમયે વિશ્વ હિંદુ પરિષદ સંગઠન મંત્રી તરીકે સુરેન્દ્રનગરના ચન્દ્રશેખરભાઈ દવે હતા. આજની તારીખે પણ તેઓ રાજનીતિમાં સક્રિય નેતા છે. તેઓને આ ત્રિશૂળ માટેનો વિચાર આવ્યો અને એ વિચાર કાર્યકર્તાઓ સમક્ષ મૂક્યો.

કાયદામાં રહીને 6 ઇંચથી નાનું પ્રતિક બનાવાયું

ત્રિશુળ માટેની તમામ વિચારણ બાદ શીર્ષસ્થ કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે, એક ત્રિશૂળ આકારનું અને 6 ઇંચથી નાનું એક પ્રતીક બનાવવામાં આવે સાથે જ બજરંગ દળમાં જોડાનાર યુવાનોનો દીક્ષાંત સમારોહ યોજીને ત્રિશૂળ અર્પણ વિધિ કરવામાં આવે. આ વિચાર કાર્યકર્તાઓએ અધિકારીઓ સમક્ષ મૂક્યો હતો અને તે સમયે પ્રાંત અધિકારીઓએ વિચારને વધાવી લીધો. બાદમાં ધીમે ધીમે સમગ્ર દેશમાં એટલે કે, જ્યાં જ્યાં બજરંગદળના કાર્યકર્તાઓ હતા ત્યાં સુધી ત્રિશૂળ પહોંચવા માંડ્યા. એટલે ત્રિશૂળ આપવાની શરૂઆત આપણા ગુજરાતના સુરેન્દ્રનગરથી થઇ હતી.

પહેલી જ વારમાં 536 ત્રિશૂળ અર્પણ કરાયા

ત્રિશુલ અર્પણ વિધિની મંજૂરી મળી ગયા બાદ બજરંગ દળની પ્રથમ ત્રિશુલ અર્પણ વિધિ 10-6-1990ના રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાઇ હતી. આ સમયે પહેલી જ વારમાં કુલ 536 ત્રિશુલ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિશુલ અર્પણ વિધિથી વાતાવરણ શ્રી રામમય બની ગયું હતું. કાર્યક્રમ બાદ સુરેન્દ્રનગર શહેરમાં ત્રિશુલ સાથે નીકળેલી શોભાયાત્રા ધ્યાનાકર્ષિત હતી.


Share this Article