છત્તીસગઢના કોરબા જિલ્લામાં મોટાપાયે આગચંપીનો મામલો સામે આવ્યો છે. શહેરના ટીપીનગર વિસ્તારમાં આવેલી એક કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં આસપાસની અનેક દુકાનોને લપેટમાં લઇ લીધી હતી. આગ ધીરે ધીરે મહાનગર પાલિકાની ત્રણ માળની બિલ્ડીંગ સુધી પહોંચી હતી. આગની ઘટનામાં 6થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે આગની જ્વાળાઓ જોઈને વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. કપડાની દુકાનની અંદર ફસાયેલા લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
કપડાની દુકાનમાંથી લાગેલી આગ ધીરે ધીરે અન્ય દુકાનોમાં પણ ફેલાઈ હતી. જે બાદ ચારેબાજુ માત્ર ધુમાડો જ દેખાતો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
લોકો પોતાનો જીવ બચાવવા કૂદવા લાગ્યા
મળતી માહિતી મુજબ મહાનગર પાલિકાની ત્રણ માળની બિલ્ડીંગમાં ભીષણ આગચંપીનો બનાવ બન્યો હતો. ઓફિસ અને આસપાસની દુકાનોમાં કામ કરતા લોકોએ પોતાનો જીવ બચાવવા બારીમાંથી કૂદી પડયા હતા. ઘટના બાદ દુકાન અને ઓફિસમાં ભાગદોડ મચી ગઈ હતી. કેટલાકે પહેલા માળેથી તો કેટલાકે બીજા માળેથી છલાંગ લગાવી પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હજુ સુધી સામે આવી નથી.
આ પણ વાંચો
અહીં 1 લીટર પેટ્રોલ માત્ર 1.5 રૂપિયામાં મળે છે, પરંતુ આ દેશમાં છે સૌથી મોંઘુ, જાણો દરેક દેશના ભાવ
આગ કયા કારણોસર લાગી તે બહાર આવ્યું નથી
જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે આગ લાગી તે સમયે ત્રણ માળની ઈમારતમાં લગભગ 50 લોકો હતા. લગભગ 10 લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે બાકીના લોકોના જીવ બચાવવા સુરક્ષા દળો અને ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જો કે, ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે ફાયર વિભાગની ટીમ માહિતી મળ્યા બાદ પણ મોડી પહોંચી હતી, જેના કારણે આગ ભયાનક બની હતી.