તિરુવનંતપુરમના નેદુમનગડ ખાતે આવેલી એક હોટેલ દ્વારા પાર્સલ કરાયેલા ખોરાકમાં ગ્રાહકને સાપની કાંચળી મળી આવતા હોટેલને બંધ કરી નાખવામાં આવી છે. આ ઘટના ૫ મેના રોજ બની હતી જ્યારે એક પરિવારે હોટેલમાંથી ફૂડ ઓર્ડર આપ્યો હતો. ફૂડ પાર્સલ ખોલવા પર તેમને પેકેજની અંદર સાપની ચામડીનો એક ટુકડો મળ્યો. આ ખુલાસા બાદ પરિવારે કેસ દાખલ કર્યો હતો.
નોંધાયેલી ફરિયાદના આધારે, મ્યુનિસિપલ અધિકારીઓ અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને હોટેલને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી. હોટેલ માલિકો દ્વારા સંપૂર્ણ સ્પષ્ટતા કર્યા બાદ જ હોટેલ ખોલવાની સૂચના આપવામાં આવી છે. ર્ંહદ્બટ્ઠહર્ટ્ઠિદ્બટ્ઠના અહેવાલ અનુસાર, સાપની ચામડીનો ટુકડો પૂવથૂરના નિવાસી, જેણે પરોઠા મંગાવ્યા હતા, તેની પુત્રીને મળ્યો હતો.
સાપની ચામડી ફૂડને પેક કરવા માટે વપરાતા કાગળમાંથી મળી આવી હતી. મામલો પ્રકાશમાં આવ્યા બાદ ખાદ્ય સુરક્ષા વિભાગે પેકેજ અને ફૂડને વધુ તપાસ માટે જપ્ત કરી લીધા હતા. નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે હોટેલ પાસે જરૂરી લાયસન્સ અને પરમિટ પણ હતા. આ ઉપરાંત, હોટેલના પરિસરમાં રાખવામાં આવેલા ખોરાકમાં પણ કંઈ અયોગ્ય નહોતું.
પરિણામે, હોટેલને ચેતવણી આપવામાં આવી અને જ્યાં સુધી યોગ્ય સ્પષ્ટતા ન કરવામાં આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. ખોરાકમાં સાપની કાંચળી મળી આવવી એ માત્ર રેસ્ટોરન્ટ કે હોટેલની વિશ્વસનીયતા સાથે સમાધાન નથી, પરંતુ તેનાથી ઓર્ડર કરવામાં આવેલી ડિશની ગુણવત્તા પણ પ્રભાવિત થાય છે.
જાે કે, ફૂડમાં આમ સાપની ચામડી મળી આવે એ ખરેખર બહુ વિચિત્ર ચીજાેમાંથી એક છે. અને આ પહેલી ઘટના નથી કે જ્યારે ખોરાકમાં કોઈ જીવિત પ્રાણી જાેવા મળ્યું હોય. આવી બેદરકારીભરી અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરતી ઘટનાઓ જાણીતી બ્રાન્ડ, ફૂડ ચેઈનના ચોપડે પણ નોંધાયેલી છે. હૈદરાબાદના એક વ્યક્તિએ સ્વિગીના માધ્યમથી સુબ્બાય્યા ગેરી હોટેલથી મંગાવેલી મીઠાઈમાં એક જીવડો મળી આવતા તેના હોશ ઉડી ગયા હતા. તો યુકેમાં એક મહિલાએ મેકડોનાલ્ડ્સ રૅપ ખાતી વખતે તેમાં એક મોટો કરોળિયો મળી આવ્યો હતો, જેને તે અજાણતા જ કદાચ ખાઈ ગઈ હોત!